રાજ્ય સરકાર વૃક્ષારોપણ, જળ સંરક્ષણ-સાયકલિંગ જેવી ઈકો-ફ્રેન્ડલી કામગીરી બદલ નાગરિકોનો ગ્રીન સ્કોર નક્કી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે એક નવીન ડિજિટલ પહેલ ‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી ગ્રીન પહેલોને પ્રોત્સાહિત કરવાના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે આ એપ કાર્યરત કરવામાં આવી છે. આ પ્લેટફોર્મનું નિર્માણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ એપ મારફતે નાગરિકો વૃક્ષારોપણ, ભીના-સૂકા કચરાનું વિભાજન, પ્લાસ્ટિક એકત્રીકરણ, જળ સંરક્ષણ, સાયકલ ચલાવવી, પગપાળા ચાલવું, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપૂલિંગ જેવી ઈકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓમાં સહભાગી બની શકશે. આ પ્રવૃત્તિઓ માટે નાગરિકોને ગ્રીન પોઈન્ટ્સ મળશે, જેના આધારે તેમનો ઓવરઓલ ગ્રીન સ્કોર તૈયાર થશે. પ્લેટફોર્મમાં AI આધારિત સુવિધાઓ હોવાથી તે ફોટો અને લોકેશન દ્વારા કામગીરીની ખરાઈ કરશે, જ્યારે એપમાં ઉપલબ્ધ ‘AI ગ્રીન આસિસ્ટન્ટ’ વપરાશકર્તાઓને સતત માર્ગદર્શન પૂરું પાડશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ પર્યાવરણ જતનમાં નાગરિકોની ભાગીદારીને રસપ્રદ, માપી શકાય તેવી અને સરળ બનાવવાનો છે. આ એપ નાગરિકો માટે ડિજિટલ ‘ગ્રીન ડાયરી’ તરીકે કામ કરશે, જેમાં પ્રવૃત્તિનો ઇતિહાસ, ચકાસણીની સ્થિતિ અને લીડરબોર્ડ જોઈ શકાશે.




