દૂધ, તેલ, મસાલા સહિતની ચીજવસ્તુના વધતાં ભાવથી મુશ્કેલી, સંગ્રહખોરો બેફામ
વર્તમાન સમયમાં જરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા અસાધારણ વધારાના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. એક તરફ સામાન્ય લોકોની આવક મર્યાદિત છે, તો બીજી તરફ મોંઘવારીનો સતત વધતો બોજ સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. બજારમાં સંગ્રહખોરો અને નફાખોરી પર કોઈ અંકુશ ન જળવાતા કાળાબજારિયાઓ બેફામ બન્યા છે, છતાં સરકાર દ્વારા આ બાબતે મૌન ધારણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૩માં જે ખાંડનો ભાવ આશરે રૂ. ૩૭ પ્રતિ કિલો હતો, તે આજે વધીને આશરે રૂ. ૮૪ સુધી પહોંચી ગયો છે, જે લગભગ ૧૨૭ ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત તુવેરની દાળ રૂ. ૭૪થી વધીને રૂ. ૧૬૦, અડદની દાળ રૂ. ૭૧થી વધીને રૂ. ૧૬૦ અને ચણાની દાળ રૂ. ૫૦થી વધીને રૂ. ૧૨૫ પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
અનાજ ઉપરાંત ખાદ્યતેલો અને દૂધના ભાવોમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. સરસિયાનું તેલ રૂ. ૧૦૨થી વધીને રૂ. ૨૬૩ અને સિંગતેલ રૂ. ૧૬૪થી વધીને રૂ. ૨૮૬ પ્રતિ કિલો થઈ ગયું છે. દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ. ૩૬થી વધીને રૂ. ૮૫ પર પહોંચ્યો છે, જ્યારે લોટ રૂ ૨૧થી વધીને રૂ. ૬૯ અને ચોખા રૂ. ૨૯થી વધીને રૂ. ૭૧ પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. રસોડાના મુખ્ય અંગ ગણાતા મસાલાઓ જેવા કે જાયફળ, જીરું, લાલ મરચું અને હળદરના ભાવમાં પ્રતિકિલોએ રૂ. ૧૫૦થી ૮૦૦ સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. મે ૨૦૧૩માં માત્ર રૂ. ૨૩ પ્રતિ કિલો મળતી ડુંગળીના ભાવ વધીને રૂ ૮૪ થઈ ગયા છે, જેના કારણે ૨૧૭ ટકાનો મોટો ભાવવધારો નોંધાયો છે.
ઊંચા ભાવ ચૂકવવાનો આર્થિક લાભ પાયાના ઉત્પાદક એવા ખેડૂતોને મળી રહ્યો નથી, કારણ કે યોગ્ય વળતરના અભાવે અભાવે ખેડૂતો ખેડૂતો પણ ગંભીર આર્થિક સંકટમાં મૂકાયા છે. વચેટિયાઓ અને સંગ્રહખોરોની બેફામ નફાખોરીને કારણે ગ્રાહકો અને ખેડૂતો બંને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી સહિતના ઇંધણના ભાવોમાં થયેલા સતત વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે, જેની સીધી અસર તમામ ચીજવસ્તુઓની કિંમતો પર પડી રહી છે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવો પણ હવે સામાન્ય પરિવારની પહોંચની બહાર જઈ રહ્યા છે, ત્યારે જનતા દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે સરકાર પોતાનું મૌન તોડે અને સંગ્રહખોરો સામે કડક કાનૂની પગલાં ભરે.




