RMCના આવાસ વિભાગનું છેલ્લાં દસ વર્ષનું સરવૈયું જોવામાં આવે તો અનેકનાં તપેલાં ચડી જાય
આવાસ યોજનાના હેડ કલાર્ક અજય પરમારે પોતાના નામે મેળવેલાં ફલેટનો દસ્તાવેજ
- Advertisement -
અજય પરમાર છેલ્લાં આઠેક મહિનાથી આવાસના ફ્લેટમાં રહેતા નથી: સ્થાનિક રહીશો
રાજકોટની વિવિધ આવાસ યોજનાઓમાં ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારો માટે ફાળવવામાં આવતા આવાસોમાં મોટાપાયે ગેરરીતિ અને કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે ‘ખાસ-ખબર’ દ્વારા સનસનાટીભર્યો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આવાસ યોજના વતી સત્તાવાર દસ્તાવેજો કરી આપવાની જવાબદારી સંભાળતા મનપાના જ હેડ ક્લાર્ક અજય મનુભાઈ પરમારનો દસ્તાવેજ મેળવી લેવાયો છે. જે અધિકારીના હાથ નીચે ગરીબોના હકના મકાનોની ચકાસણી થાય છે, તેમણે પોતે જ ઓછી આવક ધરાવતા વર્ગો (MIG) માટે બનેલી યોજનામાં કાયદાકીય જોગવાઈઓને ઘોળીને પી જઈ પોતાને નામે ફ્લેટ ફાળવી લીધો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ ૨૦૨૨માં મનપાના હેડ ક્લાર્ક અજય મનુભાઈ પરમારે શહેરના વિમલનગર મેઈન રોડ પર વસંત મારવેલ પાસે આવેલી ‘ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપ’માં સી-૪૦૮ નંબરનો 3 BHK ફ્લેટ પોતાના નામે કરાવી લીધો હતો. આવાસ યોજના ખરેખર જરૂરિયાતમંદ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે બનાવવામાં આવી હોવા છતાં મનપાના ઉચ્ચ પગારદાર ક્લાર્કે સત્તાનો દુરુપયોગ કરી કઈ રીતે આ આવાસ મેળવ્યો તે તપાસનો વિષય બન્યો છે. સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ અજય પરમાર આ ફ્લેટમાં છેલ્લા આઠેક મહિનાથી રહેતા નથી. તેઓએ ફ્લેટ ભાડે ચડાવીને અથવા વેંચીને આર્થિક લાભ મેળવી લીધો છે. આ ઉપરાંત અડધો ડઝન જેટલા કર્મચારીઓના ફ્લેટ આ આવાસમાં આવેલા છે. એટલું જ નહીં, દસ્તાવેજમાં ઉલ્લેખ અનુસાર સરકારી યોજનાના નિયમો મુજબ ફાળવવામાં આવેલો ફ્લેટ સાત વર્ષના લોક-ઇન પીરિયડ (મુદત) સુધી કોઈને વેચી કે ભાડે આપી શકાતો નથી. આ કડક નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવીને હેડ ક્લાર્કે સી-૪૦૮ નંબરનો આ ફ્લેટ અન્ય વ્યક્તિને આપી દીધા બાદ ‘વાડ જ ચીભડાં ગળે’ તેવી આ સ્થિતિમાં હવે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગ આ સમગ્ર મામલે હેડ ક્લાર્ક સામે ફોજદારી ગુનો નોંધી કડક પગલાં ભરે છે કે ભીનું સંકેલવાનો પ્રયાસ થાય છે, તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે.
‘ખાસ-ખબર’નાં ખાસ સવાલો
ઓછી આવક ધરાવતા વર્ગો માટેની યોજનામાં સરકારી પગારદાર હેડ ક્લાર્ક કયા માપદંડો હેઠળ પાત્ર ઠર્યા?
સરકારી દસ્તાવેજો કરી આપનાર જવાબદાર બાબુ જ આવાસ નિયમોનો સરેઆમ ભંગ કર્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓ કેમ અજાણ?
મનપાની આ અને અન્ય આવાસ યોજનાઓમાં આવા કેટલા સરકારી કર્મચારીઓ કે વગદારોએ ફ્લેટ મેળવ્યા કે ભાડે ચડાવ્યા છે?
કાયમી સરકારી પગાર અને ભથ્થાં મેળવતા આ કર્મચારીઓ ઓછી આવકના સ્લેબમાં કઈ રીતે ફિટ બેસી ગયા?
શું કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રક્રિયામાં અંદરખાને ચેડાં કરીને કર્મચારીઓને લાભઅપાયો હતો?




