આજે રાત્રે ‘નમો નમઃ’ કોન્સર્ટ યોજાશેઃ શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અને માનવ સાંકળનું આયોજન
મુંબઈ-અમદાવાદના 40થી વધુ કલાકારો દેશભક્તિ અને સંસ્કૃતિના ગીતો રજૂ કરશે
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ શહેરના રેસકોર્સ સ્થિત કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થિયેટર) સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ભવ્ય ગણપતિ મહોત્સવ તા. ૨૫ સપ્ટેમ્બર સુધી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એક સુદ્રઢ પારિવારિક માહોલ વચ્ચે યોજાઈ રહેલા આ મંગલ મહોત્સવમાં દરરોજ વિવિધ સેવાકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની સાથોસાથ બાળકો અને મહિલાઓમાં સુષુપ્ત શક્તિઓ ખીલે તે માટે રોમાંચક સ્પર્ધાઓ યોજી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ ભવ્ય આયોજન અંતર્ગત આજે રાત્રે ૯:૦૦ કલાકે એક અનોખી સંગીત સંધ્યા ‘નમો નમઃ’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આર.ડી. ઇવેન્ટ અને જીલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા આ વિશિષ્ટ કોન્સર્ટમાં મુંબઈના મરાન રોય, અમદાવાદના અભિજીત રાવ, ડો. પાયલ વખારીયા તેમજ રાજકોટના લોકપ્રિય કલાકાર જયેશ દવે સહિત ૪૦થી વધુ નામાંકિત કલાકારો પોતાની કલાના કામણ પાથરશે.
રાજકોટના આંગણે સર્વપ્રથમ વખત યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં આકર્ષક વેશભૂષા સાથે દેશભક્તિના ગીતો, ભાતીગળ સાંસ્કૃતિક નૃત્યો, લોકગીતો અને ભક્તિમય રચનાઓ રજૂ કરવામાં આવશે. સાથે જ ગીત-સંગીતના માધ્યમથી ગુજરાત અને ભારતના વિકાસ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની વાતો પણ મંચ પરથી રજૂ થશે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેમની ૨૫ વર્ષીય સફળ શાસકીય અને જનસેવાની રાજકીય કારકિર્દીનો મંગલ પ્રારંભ રાજકોટની ધરતી પરથી થયો હતો અને આજે તેઓ વૈશ્વિક ફલક પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે, તેવા લોકનેતાના જન્મદિનને યાદગાર બનાવવા શહેરમાં વિવિધ સેવાકાર્યો હાથ ધરાયા છે. ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન સાથે દેશને આગળ ધપાવતા વડાપ્રધાનના દીર્ઘાયુ અને નિરામય જીવનની કામના અર્થે સિદ્ધિ વિનાયક ધામના પંડાલમાં સાંજે ૬:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું
આયોજન કરાયું છે. તદુપરાંત, સાંજે ૭ કલાકે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત પરિસરમાં એકસાથે ૫,૦૦૦ થી વધુ માટીના કોડિયાં પ્રજુલિત કરી ભવ્ય દીપમાળા પ્રગટાવવામાં આવશે.આ અવસરે એક વિશાળ માનવ સાંકળ પણ રચવામાં આવશે, જેના દ્વારા નગરજનો વડાપ્રધાન મોદીના સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે અડિખમ ઊભા રહેવાનો એકતાનો સંદેશ આપશે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ તમામ કાર્યક્રમોમાં સહપરિવાર ઉમટી પડવા જાહેર અનુરોધ કર્યો છે.




