ગીર સોમનાથના ઉના-ગીરગઢડા, મહિસાગરમાં વરસાદ, કાલે નવસારી-વલસાડમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી ૪ દિવસમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે ૧૨ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને સુરત, વડોદરા સહિત ૭ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે ૧૩ સપ્ટેમ્બરે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. સવારના સમયે મહિસાગર જિલ્લામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકાના પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા, બંધારડા, ધોકડવા સહિતના ગામમાં વરસાદ પડયો છે. જ્યારે ઉના શહેરમાં પણ ધીમીધમારે વરસાદ શરૂ થયો છે. લાંબા સમય બાદ વરસાદથી ખેડૂતોને રાહત મળી શકે છે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. આ સાથે સાયક્લોનિક સકર્યુલેશન પણ સક્રિય છે અને આગામી ૨૪ કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવાની પણ શક્યતા છે. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.




