સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ધરણાં, AAPના ધારાસભ્યો સુકાયેલો પાક લઈને પહોંચ્યાઃ ખેડૂતને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
ચાલુ વંદે માતરમે જ કૉંગ્રેસનાં ધારાસભ્ય ખેડાવાલા બેસી જતાં વિવાદઃ મંત્રી પ્રવિણ માળીએ કહ્યું-રાષ્ટ્રગીતનું અપમાન, ભૂલથી બેસી ગયા હોય તો માફી માંગે
- Advertisement -
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે. બપોરે ૧૨ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે. વર્ષોથી ગૃહમાં વંદે માતરમ ગાવાની પરંપરા છે, ત્યારે આજે વંદે માતરમ શરૂ થતાં જ વિવાદ થઈ ગયો છે. વંદે માતરમ્ ગવાયું હતું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ગીત દરમિયાન બેસી ગયા હતા. ત્યાર બાદ મંત્રી પ્રવિણ માળીએ આ ઘટનાને માતૃભૂમિ અને રાષ્ટ્રગીતના અપમાન સમાન ગણાવીને કહ્યું કે ઇમરાન ખેડાવાલા જાણી જોઈને બેસી ગયા હતા કે ભૂલથી થયું તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ અને જો ભૂલથી થયું હોય તો માફી માંગવી જોઈએ. ભૂતકાળમાં વિધાનસભાના ગૃહમાં આવી ઘટના બની નથી અને આ મુદ્દે ગૃહમાં રજૂઆત કરાશે તથા સંસદીય પ્રણાલી મુજબ પગલાં લઈ શકાય છે. બીજી તરફ ધારાસભ્ય મહેશ કસવાલાએ ઘટનાને દુઃખદ ગણાવી કહ્યું કે વિધાનસભા લોકશાહીમાં આસ્થાનું પ્રતીક છે અને વંદે માતરમનું અપમાન ગુજરાતની જનતાનું અપમાન છે. ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને મળી રજૂઆત કરશે અને કોંગ્રેસે આ મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ. પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. ત્યારે સત્ર શરૂ થાય તે પહેલા શાસક પક્ષ ભાજપ દ્વારા બેઠક બોલાવાઈ હતી. તો કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પણ બેસી ગયા છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. તો અઅડના નેતાઓ અને ધારાસભ્યો ઘાસના પૂડા તેમજ ખેતરમાં સુકાયેલા અને સડેલા પાક સાથે વિધાનસભા જવા નીકળ્યા જોકે પોલીસે તેમને પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ બધા વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને ૮ કલાકથી વધારીને ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો છે.
પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે સરકાર જવાબ આપવા તૈયારઃ ભૂપેન્દ્ર પટેલ
સત્ર શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ત્રણ દિવસ ચાલનારા સત્ર દરમિયાન સરકારી બિલોની સાથે પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સત્રમાં ખૂબ સારી રીતે ચર્ચાઓ થાય તે માટે સરકાર સંપૂર્ણપણે તૈયાર છે અને ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવતા તમામ પ્રશ્નોના જવાબ આપવા સરકાર તત્પર છે. દરેક ધારાસભ્ય માટે પોતાના મતવિસ્તારની પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરવા અને તેના પર ચર્ચા કરવાની આ એક સારી તક છે.




