SMC દ્વારા કુલ ધરપકડ 40 પર પહોંચી, 10 આરોપીઓને જેલહવાલે કરાયા અને કોન્સ્ટેબલની પૂછપરછ ચાલુ
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ભાવનગરના ઝેરી દારૂકાંડમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધારોએ ઝેરી દારૂ બનાવવા મંગાવેલા મિથેનોલને કાગળ પર થિનર તરીકે દર્શાવી બોગસ બિલ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલા આરોપીને અદાલતમાં રજૂ કરી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના ૩ દિવસના પોલીસ રિમાન્ડ મેળવાયા છે, જ્યારે અગાઉ પકડાયેલા ૧૦ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા છે.
- Advertisement -
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કેમિકલયુક્ત ઝેરી દારૂ બનાવવા જરૂરી મિથેનોલ દિલ્હીથી મેળવાયું હતું. આ મિથેનોલને કાયદેસર દર્શાવવા થિનરના ખોટા બિલ બનાવનાર પશ્ચિમ દિલ્હીના મુંડકા ખાતે રહેતા મનજીતસિંઘ ક્રિશનચંદ્ર સૈનીની ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી આ કેસમાં કુલ ધરપકડનો આંકડો ૪૦ થયો છે. બીજી તરફ, દિલ્હી અને યુપીથી પકડાયેલા પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન, કેશવ જાટવ, દિનેશ શાક્ય, લખન છાંડી, પાર્થ મજેઠીયા, પાર્થ બુધેલીયા, જગદિશસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ અને આગ્રાથી પકડાયેલા ઉમેદસિંગ સહિત ૧૦ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલમાં મુખ્ય સૂત્રધાર સાથે સંપર્કમાં રહેલા વેળાવદર ભાલ સનેસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગોહિલ તેમજ દિલ્હીનો મનજીતસિંઘ રિમાન્ડ હેઠળ હોવાથી વધુ ખુલાસા થવાની સંભાવના છે.




