પાટનગર પાણી-પાણી, ઠેર ઠેર ટ્રાફિકજામમાં લોકો અટવાયા, મકાન-દિવાલ પડવાની 9 દુર્ઘટના
દેશના અનેક રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર ભારતના વરસાદી કહેર ચાલુ જ રહ્યો જ્યારે પાટનગર દિલ્હીમાં ભારે વરસાદનો છેલ્લા ૧૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં છેલ્લા ૧૬ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યત્વે સેન્ટ્રલ અને સાઉથ દિલ્હીમાં વધુ મુશ્કેલી હતી. મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ હતો. મકાન અને દિવાલ ધસી પડવાના ૯ બનાવો બન્યા હતા. સંખ્યાબંધ સ્થળોએ ઝાડ પડી ગયા હતા. હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે સફદરજંગમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કુલ ૧૨૭ મીમી વરસાદન થયો છે જે છેલ્લા ૧૬ વર્ષનો રેકોર્ડ છે. ગઇકાલે ૧૨ કલાકમાં ૭૭.૧ મીમી પાણી વરસ્યું હતું. આજે વધુ વરસાદની શક્યતા છે. ભારે વરસાદ પાણી ભરાવાના કારણે ગુડગાંવમાં વાહનો-લોકો ફસાયા હતા. એક્સપ્રેસ-વે સહિતના માર્ગો પર વાહનો અટવાયા હતા. દિલ્હીમાં સર્વત્ર વરસાદ હતો. પુષ્પવિહારમાં ૧૨ કલાકમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. છતરપુરમાં સાડા પાંચ ઈંચ, આયાતનગરમાં ૮૭.૪ મીમી, પાલમમાં ૮૮.૭ મીમી, જનકપુરીમાં ૭૨ મીમી વરસાદ થયો હતો.




