જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે શનિવારે જમ્મુથી અમરનાથ યાત્રા ફરીથી રોકી દેવામાં આવી છે. ૧૧ ઓગસ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ-પૂર અને ભૂસ્ખલનની આશંકા છે.
ખરાબ હવામાન અને આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શનિવારે જમ્મુથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના નવા જથ્થાને કાશ્મીર માટે રવાના કરવામાં આવ્યો ન હતો. વહીવટીતંત્ર હવામાન અને જમ્મુ-શ્રીનગર હાઈવેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગે ૧૧ ઓગસ્ટ સુધી જમ્મુ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં ૪.૭૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફાના દર્શન કરી ચૂક્યા છે. શનિવારે સવારે હળવાથી મધ્યમ વરસાદ છતાં હાઈવે પર વાહનવ્યવહાર સામાન્ય રહ્યો.
- Advertisement -
રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ થયો. દિલ્હી-ગુરુગ્રામને જોડતા હાઈવે સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. હવામાન વિભાગ (IMD)એ શનિવારે પણ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓગસ્ટના પહેલા સમાહમાં દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૨૭ મિમી 1 વરસાદ નોંધાયો છે, જે ૨૦૧૧ પછીનો સૌથી વધુ વરસાદ છે.
યુપીમાં ૨૫ દિવસથી ચાલુ ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. કાશીમાં ગંગાનું જળસ્તર વધવાથી ઘાટ ડૂબી ગયા છે અને ૮૪ ઘાટનો સંપર્ક તૂટી ગયો છે. ૫૦-૬૦ નાના મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. આગ્રામાં રસ્તો ધસી પડતાં ૨૦ ફૂટ ઊંડો ખાડો પડી ગયો. નેપાળમાં થઈ રહેલા વરસાદને કારણે બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદી ઉફાન પર છે. બગાહામાં ગંડક નદીનું પાણી ૩૦૦ ઘરોમાં ઘૂસી ગયું છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. વધુ એક મૃત્યુ બાદ મૃત્યુઆંક ૯૮ થયો છે. ૧૩ જિલ્લાના ૪૬૪ ગામોમાં લગભગ ૧.૫૫ લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. ગોલાપાટ સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં લગભગ ૫૮.૭૫૦ લોકો પૂરની ઝપેટમાં છે.
- Advertisement -
હિમાચલ પ્રદેશમાં 162 રસ્તા બંધ
હિમાચલ પ્રદેશમાં શુક્રવારે પણ રાજ્યના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ થયો. જેના કારણે બિયાસ નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ચંદીગઢ-મનાલી, મંડી-પઠાણકોટ હાઈવે સહિત ૧૬૨ રસ્તાઓ બંધ થઈ ગયા છે.




