ટ્રાફિક નિયમોના અમલની વાતો વચ્ચે મહાપાલિકાની બસોમાં નિયમોના ધજાગરા ઉડ્યા
મહાનગરપાલિકા સંચાલિત સિટી બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વ્યસ્ત સમયગાળા દરમિયાન અનેક બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે, જેના કારણે મુસાફરોને અગવડતા ભોગવવી પડે છે અને સલામતી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલીક બસોમાં બેઠકોની ક્ષમતા કરતાં વધુ મુસાફરોને લઈ મુસાફરી કરાવવામાં આવે છે. આવી સ્થિતિમાં અકસ્માત કે અચાનક બ્રેક લાગવા જેવી ઘટનામાં મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. આ મુદ્દે હવે પ્રશ્ન એ છે કે ટ્રાફિક નિયમોના પાલનની વાત કરતી સંસ્થાઓ વચ્ચે મહાનગરપાલિકા સંચાલિત બસોમાં ઓવરલોડિંગ અંગે જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે? શું નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા વિશેષ તપાસ હાથ ધરાશે કે પછી આ સ્થિતિ યથાવત રહેશે? જો આક્ષેપો સાચા હોય, તો મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપી નિયમોનું કડક પાલન કરાવવું અને જરૂરી કાર્યવાહી કરવી તંત્ર માટે મહત્વપૂર્ણ બની રહે છે.




