પરીક્ષા પહેલાં જ પ્રશ્નો વાયરલ થયા, 12 માંથી 11 પ્રશ્નો વાયરલ યાદીમાંથી પૂછાયા હોવાનો દાવો : સમગ્ર મામલે તપાસ સમિતિ રચાશે
ગુજરાતમાં સ્પર્ધાત્મક અને શૈક્ષણિક પરીક્ષાઓને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMS ત્રીજા વર્ષની પરીક્ષામાં પેપર લીકની આશંકાએ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધારી છે. પરીક્ષા દરમિયાન પૂછાયેલા પ્રશ્નો અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પ્રશ્ન યાદી સાથે મળતા આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
- Advertisement -
માહિતી અનુસાર, BAMSના ત્રીજા વર્ષની સલ્યતંત્ર-૧ વિષયની પરીક્ષા લગભગ છ દિવસ પહેલાં લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે પ્રશ્નપત્રના ૧૨માંથી ૧૧ પ્રશ્નો અગાઉ વાયરલ થયેલી યાદીમાંથી જ પૂછવામાં આવ્યા હતા. આ દાવા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને પરીક્ષાની પારદર્શિતાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, પરીક્ષા યોજાય તે પહેલાં જ કેટલાક પ્રશ્નોની યાદી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફરતી થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે પ્રશ્નપત્રની તુલના વાયરલ યાદી સાથે કરવામાં આવી ત્યારે મોટા ભાગના પ્રશ્નો એકસરખા હોવાનું સામે આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ દાવાઓની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ સમગ્ર મામલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક એચ. પી. ઝાલાએ જણાવ્યું છે કે ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવશે અને યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો તપાસમાં કોઈ અનિયમિતતા કે જવાબદારી સામે આવશે તો સંબંધિત લોકો સામે નિયમો અનુસાર પગલાં લેવામાં આવશે.
પેપર લીકની આશંકા સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. મહેનત કરીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. હવે તપાસ સમિતિના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે કે ખરેખર પેપર લીક થયું હતું કે માત્ર પ્રશ્નોની સમાનતાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હાલ તમામની નજર યુનિવર્સિટીની તપાસ અને તેના પરિણામ પર ટકેલી છે.




