રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોનો ફરી એકવાર સંકલ્પ; અગ્રણી વકીલોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રતિનિધિઓ અને બાર એસોસિએશનના પ્રમુખોની ઉપસ્થિતિમાં ચર્ચા
- Advertisement -
એડવોકેટ અમૃતા ભારદ્વાજે પિતા સ્વ. અભયભાઈ ભારદ્વાજનું અધૂરું સ્વપ્ન સાકાર કરવા તમામ પ્રયાસોની ખાતરી આપી
રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગને ફરી વેગ આપવા માટે ગત તા. 25 જુલાઈ, 2026ના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી વકીલો, વિવિધ બાર એસોસિએશનના પ્રમુખો તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઈકોર્ટની રાજકોટ બેન્ચ સ્થાપવા માટે આગામી સમયમાં વ્યૂહરચના ઘડવા અને સંયુક્ત પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશેષતઃ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચુટાનાર પ્રથમ મહિલા પ્રતિનિધિ એડવોકેટ અમૃતા ભારદ્વાજ હાજર રહ્યા હતા, સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પ્રતિનિધિત્વ કરતાં સભ્યો તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રમુખ અગ્રણી વકીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સૌરાષ્ટ્ર કચ્છના વકીલોનો સૌથી જૂનો પ્રશ્ન એવો રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ અને આ બેન્ચ લાવવા ભૂતકાળમાં પણ રાજ્યસભાના સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજ તથા તેમના સમા ઘણા બધા સિનિયર અને નામચીન વકીલોએ આ બેન્ચ લઈ આવવા માટે પોતાની કમર કસી હતી. આ પ્રશ્નના નિવારણ માટે ઘણા સમયથી રાજકોટ ખાતે વકીલોની બેઠક યોજાતી હતી. આ બેઠકમાં રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ઘણા બધા સિનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.
સૌરાષ્ટ્રભરના વકીલોની યોજાયેલી બેઠકમાં સહુ સિનિયર વકીલોએ હાઈકોર્ટ બેન્ચ અંગે પોતાના મંતવ્યો અને બેન્ચ માટે આગળના સમયમાં કઈ રીતે બેન્ચને કોઈપણ સંજોગે રાજકોટમાં લાવવી તે અંગેની વિચારણા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પ્રથમ વખત એક મહિલા ઉમેદવાર તરીકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મેમ્બર તરીકે ચૂંટાનાર એડવોકેટ અમૃતા ભારદ્વાજ બેઠકમાં વિશેષ હાજર રહ્યા હતા. અમૃતાબેને જણાવ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી એવાં મારા પિતા સ્વ. અભયભાઇએ વકીલોના હિતને ધ્યાને લઈ અનેકો સંઘર્ષો વેઠી હાઈકોર્ટ બેન્ચ રાજકોટમાં સ્થાપવા માટે પોતાની આખી જીંદગી ખપાવી દીધી હતી, અભયભાઈનું અને સૌરાષ્ટ્ર ભરનાં ઘણા બધાં સિનિયર વકીલોનું સ્વપ્ન હતું કે, રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આવે તે સ્વપ્ન તેઓની વિદાય થઈ ત્યારે અધૂરું રહી ગયું હતું, તે અધૂરું સ્વપ્ન હવે પૂરું કરવાની આપણી સહુની નૈતિક ફરજ છે. રાજકોટ એક જ આખા ભારતમાં એક માત્ર એવું ઉદાહરણ છે કે, જ્યાં સન્-૧૯૬૦ પહેલા સૌરાષ્ટ્ર હાઈકોર્ટના સ્વરૂપમાં હાઇકોર્ટ કાર્યરત હતી અને ત્યારબાદ સન્-૧૯૬૦માં ગુજરાત-મહારાષ્ટ્ર વિભાજન સમયે સૌરાષ્ટ્રનો ગુજરાતમાં સમાવેશ થઈ જતાં રાજકોટ ખાતેની હાઈકોર્ટ અમદાવાદ સ્થળાંતરીત કરવામાં આવી હતી. ભારતના અન્ય રાજ્યોમાં હાઈકોર્ટની બેન્ચ રાજ્યમાં જેટલા સ્થાનો પર કાર્યરત હતી, ત્યાંથી બેન્ચ હટાવામાં આવી નથી અને વધુમાં બીજા સેન્ટરોમાં બેન્ચ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે, જ્યારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટ ખાતે હાઈકોર્ટેની બેન્ચ પરત લઈ લેવામાં આવેલ છે. આ આપણા સૌરાષ્ટ્ર કચ્છના સહુ વકીલોના હિત માટેનો એક મહત્વનો વિષય છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના સહુ સિનિયર જુનિયર વકીલોના સાથ સહકારની મહત્વકાંક્ષા છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર કચ્છના સહુ સિનિયર જુનિયર વકીલોના અથાગ પ્રયત્નથી આજ હું અને મારા સાથી ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ, ત્યારે અમારી આ વિશેષ જવાબદારી બને છે. જેથી સૌરાષ્ટ્રમાં પરત હાઇકોર્ટ બેન્ચ સ્થાપવા એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો ખરુ જ પરંતુ વકીલોના હમદર્દ અને લડાયક ધારાશાસ્ત્રી અભયભાઈના દીકરી તરીકે મારાથી બનતાં હું તમામ પ્રયત્નો કરીશ. આપ સહુએ જ્યારે મારા પર અને મારા સહુ સાથીઓ પર ભરોસો મૂકી અમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મોકલ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રત્યે અમારી પ્રાથમિક અને નૈતિક ફરજ છે. જેથી હું સહુ વકીલોને ભરોસો આપું છું કે મારા થી થઈ શકેશે તેટલા તમામ પ્રયત્નો બેન્ચ લાવવા માટે કરીશ. રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચએ આપણા સહુ વિદાય લઇ ચૂકેલા સિનિયરો માટેની સાચી શ્રધ્ધાંજલિ રહેશે. સાથે જ ઉપસ્થિત સહુ વકીલોએ સ્વ. અભયભાઈને યાદ કરી હાઈકોર્ટ બેન્ચ લાવવા પ્રત્યેના તેમના અથાગ સંઘર્ષીલ પ્રયત્નોને યાદ કર્યા હતાં.
અમૃતાબેને અભયભાઈ ઉપરાંત રાજકોટ ખાતે હાઈકોર્ટ માટે પ્રયત્ન કરનાર રાજકોટના સિનિયર વકીલ એવાં સ્વ. ચીમનભાઈ શુક્લ, સ્વ. મોહનભાઈ સાયાણી સાહેબ, સ્વ. નિરંજનભાઈ દફતરી, સ્વ. મધુભાઈ સોનપાલ, સ્વ. રાજકુમાર ક્રિપાલસિંહ, સ્વ. ચીમનલાલ શાહ, સ્વ. શરદભાઈ સોનપાલ અને સ્વ. એન. એસ. ભટ્ટ જેવાં અનેક કદાવર વકીલોને યાદ કરતાં જણાવ્યું હતું કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ આપણા આ સહુ સિનિયર વકીલોને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ આપનારી છે.




