ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાની તંત્ર સમક્ષ રજૂઆત
સાંકડા રસ્તાઓ પર શાકભાજી, ફળ, નાસ્તા અને ચાની લારીઓથી ટ્રાફિક તેમજ વેપાર બંને પ્રભાવિત
- Advertisement -
રાજકોટના ઐતિહાસિક અને વ્યસ્ત સોની બજારમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર શાકભાજી, ફળ, નાસ્તા તથા અન્ય લારી-ગલ્લાઓના વધતા દબાણને કારણે વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો વેપારીઓને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે. ભાયાભાઈ સાહોલિયાના જણાવ્યા અનુસાર સોની બજારની ગલીઓ અને મુખ્ય માર્ગો પહેલેથી જ ખૂબ સાંકડા છે. આવી સ્થિતિમાં શાકભાજી, ફળ અને નાસ્તાની લારીઓ ઉપરાંત ચાની લારીઓ દ્વારા રોડ પર જ સામાન અને ચાના થડા ગોઠવી દેવામાં આવતા અડધો રસ્તો બંધ થઇ જાય છે. પરિણામે વાહનવ્યવહાર ખોરવાય છે અને ગ્રાહકોને બજારમાં આવવા-જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તેમણે જણાવ્યું કે બપોરના સમયે સોની બજારનો વિસ્તાર જાણે કાયમી શાકમાર્કેટમાં ફેરવાઈ ગયો હોય તેવું દૃશ્ય સર્જાય છે. સ્કૂટર જેવા નાના વાહન લઈને પણ બજારમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની ગયો છે. આ સ્થિતિના કારણે સોની બજારના પરંપરાગત વેપાર પર ગંભીર અસર પડી રહી છે અને ગ્રાહકો અન્ય વિસ્તારો તરફ વળી રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે આ અંગે અનેક વખત સ્થાનિક પોલીસ ચોકી તેમજ રાજકોટ મહાનગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તા પર ધંધો કરતા લારી-ગલ્લા સંચાલકો સામે નિયમોનું પાલન કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો છે.
ભાયાભાઈ સાહોલિયાએ વધુમાં જણાવ્યું કે જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં સોની બજારના વેપારને મોટું નુકસાન પહોંચી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વેપારીઓ આંદોલન શરૂ કરશે. સોની બજાર ઉપરાંત ગુજરી બજારની પણ વેપારીઓએ સમસ્યા ઉઠાવી છે. તેમના જણાવ્યા મુજબ કેટલીક દુકાનો દ્વારા દુકાન કરતાં વધુ માલ રસ્તા પર ગોઠવી દેવામાં આવે છે, જેના કારણે રસ્તા સાંકડા થઈ જાય છે અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. વેપારીઓનું કહેવું છે કે સોની બજાર અને ગુજરી બજાર હવે ખુલ્લા વેપારી વિસ્તાર કરતાં સાંકડી ગલીઓ જેવા બની ગયા છે.
- Advertisement -
વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રને સંયુક્ત અભિયાન ચલાવી રસ્તાઓ પરથી દબાણ દૂર કરવા, લારી-ગલ્લાઓ માટે યોગ્ય સ્થળ નિર્ધારિત કરવા અને બજારમાં અવરજવરની સુવિધા પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે, જેથી વેપાર-ધંધો અને ટ્રાફિક બંને સામાન્ય બની શકે.




