દરેક કેન્દ્રમાં 15 બેડ અને 14 કર્મચારી રહેશે, બજેટ જાહેરાતનો અમલ થશે
તમામ કેન્દ્ર પર કુલ 476 કર્મચારીની ભરતી આઉટ સોર્સિંગ એજન્સી કરશે
- Advertisement -
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને આધિકારિતા વિભાગ રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલો ખાતે 15 બેડની ક્ષમતા ધરાવતા ‘ડી-એડિક્શન’ (નશામુક્તિ) સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.89 કરોડથી વધુ રકમનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અંદાજપત્રમાં કરાયેલી જોગવાઈનું સરકાર ત્વરિત પાલન કરવા જઈ રહી છે.
રાજયના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા નશામુકિત કેન્દ્રોના સુચારૂ સંચાલન માટે દરેક સેન્ટર દીઠ 14 કર્મચારીઓ લેખે રાજ્યભરમાં કુલ 476 કર્મચારીઓની આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરતી કરવામાં આવશે. તમામ નશામુક્તિ કેન્દ્રોનું સંચાલન અને ઓપરેશનલ નિયંત્રણ સંબંધિત જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડન્ટની સીધી દેખરેખ હેઠળ રહેશે. યોજનાની કામગીરીમાં પારદર્શિતા જાળવવા માટે થર્ડ પાર્ટી વેરિફિકેશન અને સોશિયલ ઓડિટ કરાવવાનું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સેન્ટર માટે જરૂરી સાધન-સામગ્રી તથા સેવાઓ નિયમાનુસાર સરકારી GeM પોર્ટલ મારફતે જ મેળવવાની રહેશે.
દરેક કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ રહેશે
નશામુકિત સેન્ટરમાં માસિક રૂ. 60 હજારના પગારથી એલોપેથીના એક મેડિકલ ઓફિસર રહેશે. રૂ. 20 હજારના માસિક પગાર સાથે 2 કાઉન્સેલર અથવા સાયકોલોજિસ્ટ રહેશે. રૂ. 20 હજારના માસિક પગાર સાથે 4 સ્ટાફ નર્સ રહેશે.માસિક વેતન રૂ. 14 હજારથી 4 વોર્ડ બોય કે આયા રહેશે જ્યારે રૂ.9 હજારના માસિક વેતનથી 3 સફાઈ કામદાર-સ્વીપર રહેશે.




