વલસાડમાં જળબંબાકાર, નવસારીની કાવેરી નદીમાં પૂર
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
- Advertisement -
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ 6 ઈંચ વલસાડમાં અને સુરતના પલસાણામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુરતની ભેદવાડ ખાડી ઓવરફલો થઈ અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજયમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ વલસાડના નાનાપોંઢામાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાંસદા તાલુકામાં બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થતી ઈકો તણાઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આજે 22 જુલાઈએ નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.




