ટેમ્પો ટ્રાવેલરના ચોરખાનામાંથી 2.56 લાખના દારૂ સાથે ડ્રાઈવરની ધરપકડ
ત્રણ શખ્સોના નામ ખુલતા શોધખોળ : 20.73 લાખનો મુદામાલ કબ્જે
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય LCBએ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્તરાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાઓ હેઠળ કરવામાં આવી હતી.
LCB ટીમને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ અંગે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પોલીસે ગોંડલથી રાજકોટ જતા નેશનલ હાઇવે પર કાંગશીયાળી ગામની સીમમાં ખોડીયાર હોટેલ પાસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં પાર્ક કરેલી એક ફોર્સ ટેમ્પો ટ્રાવેલર (GJ-18-X-2992) અને પાયલોટિંગ માટે વપરાતી બોલેરો નીઓ કાર (GJ-16-FA-5741)ની તલાશી લીધી હતી.ટેમ્પો ટ્રાવેલરના છતમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 306 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂની કિંમત રૂ. 2,56,920/- આંકવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 2,56,920/-ની કિંમતની 306 વિદેશી દારૂની બોટલો, રૂ. 8,00,000/-ની ફોર્સ ટેમ્પો ટ્રાવેલર, રૂ. 6,00,000/-ની બોલેરો નીઓ કાર, રૂ. 10,000/-નો એક મોબાઈલ ફોન અને રોકડા રૂ. 6,830/- સહિત કુલ રૂ. 16,73,750/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ ગુનાના સ્થળેથી આરોપી નિલેશભાઈ ઈસરીયાભાઈ કલેશ (ઉંમર 25, ધંધો-ડ્રાઈવિંગ, રહે. મધ્ય પ્રદેશ, હાલ રહે. અલીરાજપુર)ને ઝડપી પાડ્યો છે.આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય ત્રણ આરોપીઓ ભાયા બામણીયા (રહે. અલીરાજપુર), અંકેશ તોમર (રહે. અલીરાજપુર, દારૂનો જથ્થો મોકલનાર) અને પ્રકાશ કીરાડ (રહે. અલીરાજપુર) હાલ ફરાર છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવા માટે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ, હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ જાડેજા, અલ્પેશભાઇ રાઠોડ, કોન્સ્ટેબલ રણજીતભાઇ બોરડ, વીજયભાઇ ખડીયા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા અને ભાવેશભાઇ મકવાણા સહિતની ટીમે કરી હતી.




