ફાયર બ્રિગેડ સ્ટાફે યુવકને રેસ્ક્યુ કરી હોસ્પિટલે પહોંચાડ્યો પણ જીવ ન બચાવી શક્યા
શોટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન : ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા
- Advertisement -
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી હુડકો ચોકડી પાસે ‘ઉત્તમ સોફા’ નામના કારખાનામાં સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં સમગ્ર કારખાનું તેની લપેટમાં આવી ગયું હતું અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગ દરમિયાન કારખાનાના ટોયલેટમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ અહીં ફરજ પરના તબીબોએ આ 30 વર્ષીય યુવાનને મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
રાજકોટના હુડકો ચોકડી પાસે આવેલ રામનગર-3માં ઉત્તમ સોફામાં આગ લાગવાની ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે 10:14 વાગ્યે કોલ મળતાની સાથે જ નજીકના કોઠારીયા ફાયર સ્ટેશનથી તેમજ કનકનગર ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગની 2 ગાડી દ્વારા તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી કારખાનાની અંદર બાથરૂમમાં એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી જે અન્વયે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે ધુમાડાની વચ્ચે કારખાનાની અંદર પ્રવેશ કર્યો હતો અને શૌચાલયમાં ફસાયેલા વ્યક્તિને ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવની જાણ થતા ડીસીપી હેતલ પટેલ, આજી ડેમ પીઆઇ એચ એન પટેલ સહિતનો કાફલો દોડી ગયો હતો ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે સોફા બનાવવાના કારખાનામાં રહેલ કાચો માલ અને તૈયાર સોફા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાથી મોટું આર્થિક નુકસાન થયું છે. હાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે જયારે રેસ્ક્યુ કરીને હોસ્પિટલે ખારેડાયેલ 30 વર્ષીય યુવક ચેતન શેલડીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.




