ગગનયાન મિશનમાં પણ મદદ કરશે : બંને દેશો AI અને સેમિકન્ડક્ટ ક્ષેત્રે મળીને કામ કરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ પર મહોર લાગી ગઈ છે. મેલબોર્નમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝે મીટિંગ બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંરક્ષણ, વેપાર, ઊર્જા, અવકાશ અને મહત્વપૂર્ણ ખનિજો (ક્રિટિકલ મિનરલ્સ) સહિત અનેક ક્ષેત્રોમાં કરારોની જાહેરાત કરી.
- Advertisement -
મોદીએ કહ્યું- ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમ મળવાથી ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને મજબૂતી મળશે. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મળીને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર પણ વિકસાવશે. કોકોસ (કીલિંગ) ટાપુ પર સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ બનાવવામાં આવશે, જેનાથી ભારતના ગગનયાન મિશનને મદદ મળશે.
બંને દેશોએ ઓસ્ટ્રેલિયા-ભારત સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન (PACTS) પાર્ટનરશિપ શરૂ કરવા પર સહમતિ દર્શાવી છે. આ અંતર્ગત બંને દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં સાથેમળીને રિસર્ચ કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ ક્રિકેટ જેવા, વનડે જેવું ફોકસ, નિર્ણયોમાં ટી-20 જેવી ઝડપ : PM મોદી
પીએમએ કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ ક્રિકેટ જેવો છે. અમારી મુલાકાતો ક્રિકેટની જેમ હોય છે. એજન્ડામાં વનડે જેવું ફોકસ છે, નિર્ણયો ટી-20ની જેમ ઝડપથી થાય છે અને અમારી ભાગીદારી ટેસ્ટ મેચની જેમ લાંબી અને મજબૂત છે. મોદીએ કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા માને છે કે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક ગંભીર પડકાર છે. આતંકવાદ સામેની અમારી લડાઈ સહિયારી છે અને આ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે.
- Advertisement -
અમારી નીતિઓ અલગ હતી, હવે અંતર સમાપ્ત થશે : ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે ભારત સાથે થયેલા કરાર પર કહ્યું- અત્યાર સુધી બંને દેશોની સપ્લાય ચેઇન તો જોડાયેલી હતી, પરંતુ અમારી નીતિઓ અલગ-અલગ હતી. આજનું આ પગલું તે અંતરને સમાપ્ત કરવાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું- આજે અમે 2015ના ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સહયોગ કરાર હેઠળ ભારતને યુરેનિયમ નિકાસની વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે. અમે બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા, ભારતને પોતાનો મહત્વપૂર્ણ સુરક્ષા ભાગીદાર માને છે. અમારો લક્ષ્ય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનો છે.




