છોટાઉદેપુરના રાજવાસણા અને તાપીના પાઠકવાડી ખાતે જાપાનીઝ ટેકનોલોજી આધારિત રબર ડેમ નિર્માણાધીન
25 ગામના 3,420 હેક્ટર વિસ્તાર અને 650 હેક્ટર ખેતીને મળશે સિંચાઈનું પાણી, ભૂગર્ભ જળસ્તરમાં પણ થશે નોંધપાત્ર વધારો
ગુજરાત સરકાર દ્વારા ‘કેચ ધ રેઈન’ અભિયાનને વધુ અસરકારક બનાવવાના અને રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી પાણી તથા સિંચાઈની સુવિધા મજબૂત બનાવવાના હેતુથી જળસંચય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ દિશામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર બે અત્યાધુનિક રબર ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બંને પ્રોજેક્ટનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજવાસણા ખાતે અંદાજે રૂ. 82.97 કરોડના ખર્ચે આધુનિક રબર ડેમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે સપ્ટેમ્બર-2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ તાપીના પાઠકવાડી ખાતે રૂ. 79.13 કરોડના ખર્ચે જાપાનીઝ ડિઝાઈન આધારિત અદ્યતન એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આમ, રાજ્યમાં કુલ રૂ. 162 કરોડથી વધુના રોકાણ સાથે જળસંચય અને સિંચાઈ ક્ષેત્રે નવી ટેકનોલોજી આધારિત ક્રાંતિનું સર્જન થઈ રહ્યું છે.
- Advertisement -
છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર બનનારા આ રબર ડેમમાં 180 મીટરની લંબાઈ અને 3.5 મીટરની ઊંચાઈ ધરાવતું આધુનિક રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવશે. આ ટેકનોલોજીના ઉપયોગથી હાલના આડબંધની જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને આશરે 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ શક્ય બનશે. આ ડેમથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, જેના કારણે પીવાનું પાણી અને સિંચાઈ બંને માટે લાંબા ગાળે લાભ મળશે. હાલમાં આ પ્રોજેક્ટની અંદાજે 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજવાસણા રબર ડેમ પૂર્ણ થતાં 25 ગામોના લગભગ 3,420 હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. રવી અને ખરીફ બંને પાક માટે ખેડૂતોને પાણી મળી રહેશે તેમજ ભવિષ્યમાં નહેરોને ગામોના તળાવો સાથે જોડવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે, જેના કારણે સમગ્ર પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
પાઠકવાડી રબર ડેમ થકી અંદાજે 3.50 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ શક્ય બનશે, જેના પરિણામે આશરે 650 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી મળશે. પાઠકવાડી ઉપરાંત ઢોડીયાવાડ, ઉનાઈ અને સિંધઈ જેવા ગામોના ખેડૂતોને ખરીફ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. સાથે સાથે આસપાસના કૂવા અને બોરના ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાથી સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી પણ રાહત મળશે. નિષ્ણાતોના મતે ભવિષ્યમાં આ જ ટેકનોલોજી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પાણીના પ્રવેશને અટકાવવા માટે ટાઇડલ રેગ્યુલેટર તરીકે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. રાજ્ય સરકારના આ બંને રબર ડેમ પ્રોજેક્ટ માત્ર જળસંચય પૂરતા મર્યાદિત નથી, પરંતુ પાણી વ્યવસ્થાપન, પૂર નિયંત્રણ, ભૂગર્ભ જળ સંવર્ધન અને કૃષિ વિકાસના ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપનારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે ઉભરી રહ્યા છે.
પૂર નિયંત્રણ અને સિલ્ટ મેનેજમેન્ટમાં પણ મળશે સફળતા
રબર ડેમ ટેકનોલોજીની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં ડેમના રબર બ્લેડરમાંથી હવા કાઢીને તેને બેસાડી શકાય છે. પરિણામે પૂરના પાણીનો ઝડપથી નિકાલ થશે અને આસપાસના ગામોને નુકસાનથી બચાવી શકાશે. આ ઉપરાંત, જૂના આડબંધોમાં સિલ્ટ અને કાંપ જમા થવાને કારણે પાણી સંગ્રહ ક્ષમતા ઘટતી હતી, પરંતુ રબર ડેમ પદ્ધતિથી સિલ્ટનો સરળતાથી નિકાલ શક્ય બનશે. ડેમની સુરક્ષા માટે નદીના ડાબા કાંઠે 900 મીટર અને જમણા કાંઠે 500 મીટરની ફ્લડ પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના કરારમાં આગામી 10 વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ટેકનિકલ સુવિધાઓ લાંબા સમય સુધી કાર્યરત રહી શકે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ નજીક અંબિકા નદી પર રૂ. 79.13 કરોડના ખર્ચે અત્યાધુનિક એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં આ પ્રોજેક્ટની લગભગ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ વિસ્તાર સમતળ અને નદીના કાંઠા નીચા હોવાથી પરંપરાગત ચેકડેમ કે બેરેજનું બાંધકામ શક્ય નહોતું. સ્થાનિક માંગ અને સર્વેક્ષણના આધારે વિભાગે જાપાનીઝ ટેકનોલોજી આધારિત રબર ડેમ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટ માટે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યા
આ ડેમની ડિઝાઇન જાપાનીઝ કોડ-2000 મુજબ તૈયાર કરવામાં આવી છે, જ્યારે તેમાં ઉપયોગમાં લેવાતા 18 થી 32 મીમી જાડાઈ ધરાવતા વિશેષ રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યા છે. આ બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ અસરકારક રીતે કાર્ય કરી શકે છે અને તેનો આયુષ્યકાળ અંદાજે 30 વર્ષનો છે. ડેમનું સંચાલન અત્યાધુનિક SCADA ઓટોમેશન સિસ્ટમથી થશે, જેના કારણે માનવબળ વગર કમ્પ્યુટર દ્વારા જ રબર બ્લેડરમાં હવા ભરવા અને બહાર કાઢવાની પ્રક્રિયા નિયંત્રિત કરી શકાશે. 280 મીટર લાંબા અને 4.5 મીટર ઊંચા આ ડેમમાં કુલ ચાર સ્પાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.




