ભાડુઆત તરીકે રહેતા મૂળ કોટડાસાંગાણીના માતા-પુત્ર સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ
રાજકોટમાં કેનેડાની શેરબજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી યુવાન પાસેથી ભાડૂઆત માતા-પુત્રએ 1 કરોડ ખંખેરી લીધા બાદ પરત ન આપતા 29 વર્ષીય આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે નોન વુવન કાપડની થેલીની ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરતા યુવકના લગ્નના બે વર્ષ બાદ જ મોત થતા પત્ની પર આભ તૂટી પડ્યું છે. જોકે આરોપી ભાડૂઆત માતા જોસનાબેન અને તેના પુત્ર યશ ભાગી જતા આજી ડેમ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી માતા-પુત્ર સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
રાજકોટના સરદાર ચોક પાસે વીરાણી રેસીડેન્સીમાં રહેતા ધર્મેશભાઈ બારસીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના નાના ભાઈ હિતેષ બારસીતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. તેમના મકાનના નીચેના માળે છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી યશ ધીરુભાઈ લુણાગરીયા અને તેની માતા જોશનાબેન ભાડેથી રહેતા હતા યશ અને તેની માતાએ હિતેષને કેનેડાની શેરબજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં હિતેષે 1 લાખ આપ્યા હતા. જે બાદમાં પરિવારના દબાણથી પરત મેળવી લેવાયા હતા. જોકે ત્યાર બાદ ફરિયાદીની જાણ બહાર ફરીથી વિવિધ રીતે સમજાવીને હિતેષ પાસેથી 1 કરોડ જેટલી રકમ મેળવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે આ રકમ હિતેષે પોતાનું આશરે 163 ગ્રામ સોનું ગીરવે મૂકી વાહન પર લોન લઇ તેમજ મિત્રો તથા સાસરીયા પાસેથી ઉછીના લઇ અને વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી પણ લોન લઈને આપ્યા હતા બાદમાં પત્ની મોસમીબેનના જણાવ્યા અનુસાર વધુ 40 લાખ જેટલી રકમ પણ લોન અને સોનું ગીરવે મૂકીને યશને આપવામાં આવી હતી. રોકાણનું વળતર કે મૂળ રકમ પરત માગતા યશ અને તેની માતા સતત વાયદા કરતા રહ્યા પરંતુ પૈસા પરત આપ્યા ન હતા આ દરમિયાન હિતેષ ભારે માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો દરમિયાન ગત 9 જૂન, 2026ના રોજ સવારે હિતેષ પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હોસ્પિટલ લઈ જતી વખતે હિતેષે ઓક્સિજન માસ્ક કાઢીને પોતાના મોટા ભાઈને જણાવ્યું હતું કે, “આપણા નીચે રહેતા યશ અને તેની મમ્મીના ત્રાસથી મેં આ પગલું ભર્યું છે.” ત્યારબાદ તે ફરી બેભાન થઈ ગયો હતો. હિતેષનું સારવાર દરમિયાન 14 જૂન, 2026ના રોજ મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને વતન ગુંદાસરામાં અંતિમવિધિ કરવામાં આવી હતી અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ધર્મેશભાઈએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોટડાસાંગાણીના યશ લુણાગરીયા અને તેની માતા જોશનાબેન સામે રોકાણના નામે મોટી રકમ મેળવી પરત ન આપવી, સતત માનસિક ત્રાસ આપી હિતેષને મરવા મજબૂર કરવા અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




