શાપર પોલીસના જવાનોએ વેશપલટો કરી ઓપરેશન પાર પાડ્યુ
સતત લોકેશન બદલતા આરોપીઓનું અંતે લોકેશન મળી જતા ટિમ હરિદ્વાર પહોંચી હતી
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસને પારડી ગામમાં થયેલા ચકચારી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે મહિલા પર જીવલેણ હુમલો કરીને ફરાર થયેલા મુખ્ય આરોપી પ્રવીણ ઉર્ફે લાખાલો ગલાભાઈ વાઘેલા અને એક કિશોરને ઉત્તરાખંડના હરિદ્વાર રેલવે સ્ટેશન પરથી પોલીસે ફિલ્મી ઢબે વેશ પલટો કરીને ઝડપી પાડ્યા છે. હજારો કિલોમીટર દૂર સુધી પીછો કરીને આરોપીઓને પકડી લાવવાની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
- Advertisement -
પોલીસના જણાવ્યા મુજબ, 12 જૂન 2026ના રોજ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામે પ્રવીણભાઈ ઉર્ફે લાખાલો ગલાભાઈ વાઘેલા અને તેની સાથેના એક કિશોર ઓટોરિક્ષામાં આવી પહોંચ્યા હતા. બંનેએ 37 વર્ષીય જુબેદાબેન અયુબભાઈ ગુડદી પર છરી વડે ગળા અને પેટના ભાગે આડેધડ હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યાર બાદ બંને ફરાર થઈ ગયા હતા ગંભીર હાલતમાં જુબેદાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 15 જૂનના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યાર બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો ઉમેરી તપાસ વધુ તેજ બનાવી હતી આ ગંભીર હત્યા કેસના આરોપીઓને ઝડપી લેવા માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. રાણાની આગેવાનીમાં અલગ-અલગ સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી હતી આરોપી સતત પોતાના મોબાઇલ નંબર અને લોકેશન બદલતો હતો. તપાસ દરમિયાન આરોપી મુરાદાબાદ સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી હતી, પરંતુ ત્યાર બાદ તે ફરી હરિદ્વારમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી આ બાતમી આધારે શાપર પોલીસની ટીમ તાત્કાલિક હરિદ્વાર પહોંચી હતી હરિદ્વાર જેવા ભીડભાડવાળા વિસ્તારમાં આરોપી ફરી ભાગી ન જાય તે માટે પોલીસકર્મીઓએ સામાન્ય યાત્રાળુ અને નાગરિકનો વેશ ધારણ કર્યો હતો. હરિદ્વાર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ વાઘેલા અને તેની સાથેના કિશોરને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીને રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવી તેને કોણે આશરો આપ્યો, ભાગવામાં કોની મદદ મળી અને સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરશે આ સફળ કામગીરીમાં એએસઆઈ દિવ્યરાજસિંહ સરવૈયા, એએસઆઈ કીપાલસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાધલ, દિનેશભાઈ ખાતરીયા, જગશીભાઈ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ડામસીયા, લગધીરસિંહ જાડેજા, વિમલભાઈ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા, મનસુખભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ શામળા અને ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના એએસઆઈ છત્રપાલસિંહ જાડેજા જોડાયા હતા.




