ભગવાન જગન્નાથના ગજવેશના અલૌકિક દર્શન : સાંજે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે મોસાળમાં જશે
સાબરમતીના ભૂદરના આરેથી 108 પવિત્ર કળશમાં જળ ભરાયું : ભગવાન જગન્નાથજી આજે મોસાળ સરસપુર પધારશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદમાં આ વર્ષે યોજાનારી 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજથી ઉત્સવનો ભક્તિસભર પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે 29 જૂન ને જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત અને ભવ્ય જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી ભારે ધામધૂમ પૂર્વક નીકળી હતી. `જય રણછોડ, માખણચોર’ અને `જય જગન્નાથ’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. જળયાત્રાના પ્રારંભે સૌપ્રથમ 12 ગજરાજો (હાથી) મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારબાદ સુશોભિત બળદગાડા પણ શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે રવાના થયા હતા. બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને `ગોવિંદ બોલો, ગોપાલ બોલો…’ ના કીર્તન સાથે ભવ્ય યાત્રા સાબરમતી નદીના કિનારે જવા રવાના થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને અગ્રણીઓ જોડાયા હતા. આ ભવ્ય જળયાત્રા સાબરમતી નદીના ઐતિહાસિક ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગંગા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની મધ્યમાં ગયા હતા અને ત્યાંથી 108 પવિત્ર કળશમાં જળ ભર્યું હતું. ભૂદરના આરેથી લાવેલા આ પવિત્ર જળ વડે નીજ મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. મહાપૂજા બાદ ભગવાનને વિશેષ ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરાવવામાં આવ્યો હતો. જળાભિષેકની પરંપરાગત વિધિ પૂર્ણ થયા બાદ, આજે સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરે એટલે કે પોતાના મોસાળમાં પહોંચશે. મોસાળમાં મામાના ઘરે ભગવાનનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રભુ આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો ભગવાનના ગજવેશ દર્શનનો ભક્તિલાભ લઈ શકશે.




