એક હાથ કરતાં અનેક હાથથી કામ ઝડપી બનશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ
ગત ટર્મમાં સમિતિના વડા રહી ચૂકેલા 4 સીનિયર કોર્પોરેટરોને ફરીથી ચેરમેન પદ સોંપી નારાજગી દૂર કરવાનો પ્રયાસ, અનુભવ અને યુવા જોશનો સમન્વય
- Advertisement -
રાજકોટ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંકના 1 મહિના બાદ વિવિધ 15 મહત્વની સમિતિઓના ચેરમેનની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં તાકીદની અર્જન્ટ દરખાસ્ત મંજૂર થયા બાદ આજે તમામ નવનિયુક્ત સમિતિઓના વડાઓએ મહાપાલિકા કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની હાજરીમાં મનપાની તમામ 15 સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લેતા પ્રજાના કામો વેગવંતા બનશે.
‘એક હાથ કરતાં અનેક હાથથી કામગીરી ઝડપી બને’ આ અંગે મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપની સૂચના મુજબ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા મનોનીત કરાયેલા નામોની જાહેરાત બાદ આજે સવારે 11 વાગ્યે તમામ ચેરમેનોએ પોતાના કાર્યભારનો ચાર્જ લીધો છે. ધારાસભ્ય રમેશભાઈ, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.મેયરે વધુમાં ઉમેર્યું કે, લોકશાહીમાં જવાબદારીના ભાવ સાથે સૌએ સાથે મળીને કામ કરવાનું હોય છે અને એક હાથ કામ કરે તેના કરતાં અનેક હાથ ભેગા મળે ત્યારે કામગીરી વધુ સરસ અને ઝડપી બને છે, જેથી હવે પ્રજાના વિકાસના કાર્યો વધુ વેગવંતા બનશે. આ વોર્ડમાંથી બબ્બે કોર્પોરેટરને ચેરમેન પદની લોટરી લાગી નવી સમિતિઓની સંરચનામાં રાજકીય અને ભૌગોલિક બેલેન્સ જાળવવાનો વિશેષ પ્રયાસ કરાયો છે. વોર્ડ વાઇઝ ગણતરી મુજબ મનપાના વોર્ડ નંબર 1, 5, 13 અને 17માંથી બબ્બે કોર્પોરેટરોને ચેરમેન પદ મળ્યું છે. આ વરણીમાં અનુભવ અને યુવા જોશનો સમન્વય જોવા મળ્યો છે, કારણ કે ગત ટર્મમાં સમિતિના વડા રહી ચૂકેલા 4 સીનિયર કોર્પોરેટરોને ફરીથી ચેરમેન પદ સોંપાયું છે, જો કે તેમની જૂની સમિતિઓ બદલવામાં આવી છે. જેમાં દિલીપ લુણાગરીયા, કેતન ઠુમ્મર, સોનલબેન સેલારા અને કંકુબેન ઉધરેજાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત ચૂંટણી જીતેલા 8ને ચેરમેન પદ બીજી તરફ, પ્રથમ વખત ચૂંટણી જીતીને આવેલા 8 તદ્દન નવા જ નગરસેવકોને સીધા જ વિવિધ સમિતિઓના સુકાની બનાવી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જૂના 21 કોર્પોરેટરોને જ રિપીટ કરાયા હતા અને 43 જેટલા કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી હોવાથી, મેયર પદના મજબૂત દાવેદારોને અસંતોષ ન થાય તે રીતે વિવિધ સમિતિઓમાં યોગ્ય સ્થાન આપી એડજસ્ટ કરવામાં આવ્યા છે.
- Advertisement -
- લાઇટીંગ સમિતિ: સમગ્ર બોર્ડમાં સૌથી વધુ ભણેલા પરેશ ઠાકર (PHD) આ સમિતિનો કાર્યભાર સંભાળશે.
- આરોગ્ય સમિતિ: હેલ્થ ડિપાર્ટમેન્ટની કમાન BHMS ની મેડિકલ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ ડૉ. રિંકલ મેઘાણીને સોંપવામાં આવી છે.
- કાયદો અને નિયમ સમિતિ: LLB ની ડિગ્રી ધરાવતા 38 વર્ષીય યુવાન જયરાજસિંહ જાડેજાને વડા બનાવાયા છે.
- સમાજ કલ્યાણ સમિતિ: કાયદાના સ્નાતક એવા મનીષ ભટ્ટ (LLB) ચાર્જ સંભાળશે.
- બાગ બગીચા સમિતિ: પર્યાવરણ અને ગાર્ડન વિભાગની જવાબદારી LLB ભણેલા રક્ષિત કલોલાને સોંપાઈ છે.
- વોટર વર્ક્સ સમિતિ: પાણી પુરવઠા જેવી ટેકનિકલ સમિતિની જવાબદારી આર્કિટેક્ચરનું ભણતર (બી.આર્ક) ધરાવતા જયસુખ કાથરોટીયાને સોંપવામાં આવી છે.ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા ચેરમેન:
- શિક્ષણ સમિતિ: શહેરના પ્રાથમિક શિક્ષણની જવાબદારી જેમના પર છે તે સોનલબેન સેલારા પોતે માત્ર ધોરણ 10 પાસ છે.
- એસ્ટેટ સમિતિ: મનપામાં સૌથી ઓછું ભણેલા અને માત્ર ધોરણ 7 પાસ કંકુબેન ઉધરેજાને મહત્વની એસ્ટેટ સમિતિનો ચાર્જ સોંપાયો છે.
- શિશુ કલ્યાણ સમિતિ: બાળકોના વિકાસ માટેની આ સમિતિમાં માત્ર ધોરણ 9 પાસ કેતન ઠુમ્મર વડા બન્યા છે.
- ડ્રેનેજ સમિતિ: ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સની દેખરેખ ધોરણ 10 પાસ કિરણબેન હરસોડા રાખશે.
- બાંધકામ, સેનિટેશન અને પ્લાનિંગ: બાંધકામ સમિતિમાં ધોરણ 12 પાસ અશ્વિન ભોરણીયા, સેનિટેશન સમિતિમાં ધોરણ 10 પાસ કિર્તીબા રાણા અને ટાઉન પ્લાનિંગને લગતી પ્લાનિંગ સમિતિમાં ધોરણ 10 પાસ અનીલ ચૌહાણ ચાર્જ સંભાળશે.
- હાઉસિંગ સમિતિ: આવાસ યોજનાની સમિતિમાં ધોરણ 11 પાસ દિલીપ લુણાગરીયાને ચેરમેન પદ મળ્યું છે.




