જય ભારતમાં જન્મ્યો, આયર્લેન્ડમાંથી રમ્યો અને પહેલા જ બોલે વિકેટ ખેરવીને છવાયો
આઈરિશ બોલર જયનો બોલિંગ જાદુ એવો ચાલ્યો કે તેની સામે એકપણ ભારતીય બેટર ટકી ન શક્યો
- Advertisement -
ભારત સામેની બંને T20 મેચમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય મૂળના જયની આ ડેબ્યૂ આંતરરાષ્ટ્રીય મેચો હતી, જેમાં તે શાનદાર બોલિંગ કરીને ચમક્યો છે. રસપ્રદ વાત એ છે કે આયર્લેન્ડ તરફથી રમનારા જયનો જન્મ રાજસ્થાનમાં થયો છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક આયર્લેન્ડની ટીમમાંથી મળી. તેણે પોતાની પ્રથમ મેચના પહેલા જ બોલ પર ભારતના સ્ટાર બેટર સંજુ સેમસનની વિકેટ લીધી હતી. ખાસ કરીને બીજી મેચમાં તે ભારતના ત્રણ મેઈન બેટરને આઉટ કરી મેચ ઓફ ધી મેચ બન્યો હતો.
જય મુન્દ્રાનો જન્મ 10 જાન્યુઆરી 1997ના રોજ રાજસ્થાનના ટોંક શહેરમાં થયો હતો. બાળપણથી ક્રિકેટનો શોખ હતો, તેથી રાજસ્થાનમાં જ એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. તે પહેલાથી જ ફાસ્ટ બોલિંગ કરતો હતો પરંતુ 18 વર્ષની વય સુધીમાં તે ટૉપ ઓર્ડર બેટ્સમેન બની ગયો હતો. આ સમયે તેણે ફાસ્ટ બોલિંગ છોડીને ઑફ સ્પિન બોલિંગ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ ફરી તેને ફાસ્ટ બોલિંગ કરવાનું ઝનૂન જાગ્યું. તેણે જણાવ્યું હતું કે, 2019માં કૉલેજના અભ્યાસ બાદ જો તે કૉર્પોરેટ જૉબ કરવા લાગ્યો હોત તો ક્રિકેટ કરિયર ખતમ થઈ ગઈ હોત. તેણે નોકરી છોડીને ક્રિકેટને એક ચાન્સ આપવાનું વિચાર્યું.
29 વર્ષના જય મુન્દ્રાએ વર્ષ 2021માં ક્રિકેટથી થોડો સમય અંતર રાખ્યું હતું. તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે આયર્લેન્ડ ગયો હતો. ત્યાં સ્થાયી થયા બાદ તેમણે ડબલિનની ‘લેનસ્ટર ક્રિકેટ ક્લબ’ માટે રમવાનું શરૂ કર્યું અને 2023માં આઈરિશ સિનિયર કપ જીતનારી ટીમનો હિસ્સો બન્યો. તે લેનસ્ટર લાઇટનિંગ માટે સતત રમતો રહ્યો હતો પરંતુ આયર્લેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમમાં તેને પહેલીવાર તક સ્ટાર બોલર જોશ લિટિલના ઇજાગ્રસ્ત થવાને કારણે મળી હતી.
- Advertisement -
જય મુન્દ્રાએ ભારત સામેની બને T20 મેચમાં મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પ્રથમ ડેબ્યૂ મેચમાં માત્ર 26 રન આપીને 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. જયે પોતાના પહેલા જ બોલ પર સંજુ સેમસનને બોલ્ડ કર્યો અને ત્યારબાદ શિવમ દુબેની વિકેટ પણ લીધી. બીજી મેચમાં તેણે ભારતના ત્રણ બેટરને પેવેલિયન ભેગા કરી પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો. બે મેચની સિરીઝમાં જય મુન્દ્રાએ કુલ પાંચ વિકેટ ઝડપી આયર્લેન્ડની ભારત સામેની આ ઐતિહાસિક જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
જય મુન્દ્રાની ઘાતક બોલિંગ સામે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર
T20 સિરીઝમાં આયર્લેન્ડ સામે ભારતને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. સિરીઝમાં 2-0થી ભારતની હારનું મુખ્ય કારણ આયર્લેન્ડના બોલર જય મુન્દ્રાનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. બંને મેચમાં આયર્લેન્ડના બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટિંગ લાઇનઅપને સંપૂર્ણપણે તોડી પાડી હતી. બીજી મેચમાં તો જય મુન્દ્રાએ માત્ર 3 ઓવર ફેંકીને 19 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. બોલિંગ ઉપરાંત, મુન્દ્રાએ ફિલ્ડિંગમાં પણ કમાલ કરતા એક રન-આઉટ પણ કરાવ્યો હતો
ભારતની હારથી દુઃખ, પણ દીકરાના પ્રદર્શનથી માતા ગર્વિત
જય મુન્દ્રાની માતા વિદ્યા મુન્દ્રાએ દીકરાની આ અદભુત સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મને દુઃખ છે કે ભારત મેચ હારી ગયું, પરંતુ મારા દીકરાએ ખૂબ સરસ પ્રદર્શન કરીને પરિવાર અને રાજસ્થાનનું નામ રોશન કર્યું છે, જેનો મને ગર્વ છે. જયના પિતાની ઈચ્છા હતી કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે તેથી 10મા ધોરણ પછી જયે ભણવા પર વધુ ધ્યાન આપ્યું હતું. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેણે ક્રિકેટ એકેડેમી જોઈન કરી અને પોતાના સપનાને આગળ વધાર્યું છે.’




