જંગલેશ્વર મેગા ડિમોલિશનનો વિવાદ દિન-પ્રતિદિન વધુ ઘેરો બન્યો
પોલીસ પાસે પોતાના અત્યાધુનિક ડ્રોન હોવા છતાં, ‘બાલાજી એજન્સી’ને ખાનગી કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો?
- Advertisement -
ટેક્સ પ્રજાનો, ધુમાડો મનપાનો: બેફામ આંધણ બાદ તંત્રની નિયત સામે સવાલ ઉઠ્યા
રાજકોટ મહાનગરપાલિકા (મનપા) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનનો વિવાદ દિન-પ્રતિદિન વધુ ઘેરો અને શંકાસ્પદ બની રહ્યો છે. પોલીસ અને અધિકારીઓના ૨૭ લાખના શાહી ભોજન-નાસ્તાના હોબાળા બાદ, હવે ડ્રોન અને વિડિયો શૂટિંગના ૨૨ લાખના બિલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓપરેશન દરમિયાન પોલીસ વિભાગ પાસે પોતાના હાઈટેક સરકારી ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં, મનપાના અધિકારીઓએ જાણીજોઈને ‘બાલાજી એજન્સી’ નામની ખાનગી પેઢીને ડ્રોન અને વિડિયો શૂટિંગનો આખો કોન્ટ્રાક્ટ પધરાવી દીધો હતો સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે, જ્યારે આ પ્રકારના મેગા ઓપરેશનમાં પોલીસ કાફલો તૈનાત હોય છે અને પોલીસ તંત્ર પાસે સર્વેલન્સ માટે આધુનિક સરકારી ડ્રોન ઉપલબ્ધ હોય જ છે, તો પછી મનપાએ સરકારી મશીનરીનો મફતમાં ઉપયોગ કરવાને બદલે ખાનગી એજન્સીને કેમ વચમાં લાવી?
બજારમાં જે પ્રોફેશનલ ડ્રોનની ખરીદ કિંમત માંડ ૧.૫ થી ૨ લાખ હોય છે, તેના માત્ર બે દિવસના ભાડા અને વિડિયો શૂટિંગ પેટે બાલાજી એજન્સીને ૨૨ લાખ જેવી તોતિંગ રકમ ચૂકવવાની તૈયારી કરી લેવાઈ. નવું ડ્રોન ખરીદવા કરતાં ૧૦ ગણો વધુ ખર્ચ કરવાનો આ કારસો હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
- Advertisement -
મનપાના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, નિયમ પ્રમાણે રેટ કોન્ટ્રાક્ટમાં મનપાને મોટું ડિસ્કાઉન્ટ મળવું જોઈતું હતું. તેના બદલે અધિકારીઓએ બાલાજી એજન્સીને ફાયદો કરાવવા માટે નિયમોને નેવે મૂકીને ઉંચા ભાવો મંજૂર કરી દીધા. પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાતા ટેક્સનો આ પ્રકારે બેફામ ધુમાડો થતાં તંત્રની દાનત સામે આંગળીઓ ચિંધાઈ રહી છે. સ્ટેન્ડિંગ કમિટી બિલ અટકાવે તેવી પૂરેપૂરી શક્યતા અગાઉ જંગલેશ્વર ડિમોલિશનના ભોજનના ૨૭ લાખના બિલને ભારે વિવાદ બાદ સ્ટેન્ડિંગ કમિટીએ પેન્ડિંગ રાખ્યું છે. ત્યારે હવે પોલીસ પાસે ડ્રોન હોવા છતાં ખાનગી એજન્સીને કમાણી કરાવી આપવાનું આ ૨૨ લાખનું નવું પ્રકરણ સામે આવતા, સ્ટેન્ડિંગ કમિટી આ બિલ પણ અટકાવી દે અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસના આદેશ આપે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
ટેકનોલોજીના આ યુગમાં હાઈ-ક્વોલિટી કેમેરા અને જીપીએસ ધરાવતા પ્રોફેશનલ ડ્રોનની ખરીદ કિંમત અંદાજે ૧.૫ થી ૨ લાખ સુધીની હોય છે. જો મનપાએ કાયમી ધોરણે પોતાના સ્ટાફ માટે નવું ડ્રોન ખરીદ્યું હોત તો પણ તિજોરીને માત્ર ૨ લાખનો જ બોજ પડત. તેના બદલે, મનપાના શાણા વહીવટદારોએ ખાનગી એજન્સીને કમાણી કરાવી આપવા માટે માત્ર બે દિવસના ડ્રોન શૂટિંગ અને મોનિટરિંગનું બિલ ૨૨ લાખ મંજૂર કરાવી દીધું! જેટલામાં નવું ડ્રોન આવે, તેના કરતાં ૧૦ ગણું વધુ ભાડું ચૂકવવાનો આ કારસો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
જંગલેશ્વર ડિમોલિશન પર તંત્રનો અંધેર વહીવટ
મેગા ડિમોલિશનનો ખર્ચો હવે કૌભાંડ સાબિત થવા તરફ જઈ રહ્યું છે. અધિકારીઓ અને પોલીસ કાફલાના નામે પ્રજાના ટેક્સના પૈસા કેવી બેરહેમીથી વેડફવામાં આવ્યા છે, તેનો પુરાવો એક પછી એક સામે આવી રહેલા બિલો આપી રહ્યા છે. શાહી ભોજનના ૨૭ લાખના ધુમાડા બાદ મફત ડ્રોન હોવા છતાં ખાનગી એજન્સીને ૨૨ લાખ ચૂકવવાનું મસમોટું કથિત કૌભાંડ સપાટી પર આવ્યું છે.




