સોમનાથ બેકરીમાંથી 160 કિલો વાસી ખોરાકના જથ્થાનો નાશ 10 હજારનો અને દ્વીતી એન્ટરપ્રાઇઝને નિયમોના ઉલ્લંધન બદલ 5 હજારનો દંડ ફટકારાયો
- Advertisement -
જીભના ચટકા માણતા સ્વાદના શોખીનો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કરવામાં આવેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે, યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી “સોમનાથ બેકરી” માં તંત્ર ત્રાટક્યું હતું. આ તપાસ દરમિયાન સ્થળ પર અત્યંત અનહાઈજેનિક (અસ્વચ્છ) કન્ડિશનમાં સ્ટોરેજ તેમજ ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. ખુલ્લામાં રાખેલી બ્રેડ, બર્ગર, પીઝા બેઇઝ તથા અન્ય બેકરી પ્રોડક્ટ્સ સહિત કુલ મળીને અંદાજિત 160 કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા અધિકારીઓએ તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ગંભીર બેદરકારી બદલ ફૂડ વિભાગે આ પેઢીને સીલ કરી દીધી છે અને રૂ. 10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી, હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે કડક નોટિસ ફટકારી છે.આ ઉપરાંત, આ જ વિસ્તારમાં આવેલી અન્ય એક પેઢી “ધ્વીતી એન્ટરપ્રાઇઝ” માં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં સ્થળ પર ડેમેજ થયેલ, રિટર્ન આવેલ અને એક્સપાયરી ડેટ વાળા જથ્થા ઉપર યોગ્ય પ્રકારે આઇસોલેશન કે લેબલિંગ કરવામાં આવ્યું ન હોવાનું ખુલ્યું હતું. નિયમોના આ ઉલ્લંઘન બદલ ફૂડ વિભાગે આ પેઢીને પણ સીલ મારી દીધું છે અને યોગ્ય સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપી રૂ. 5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી અખાદ્ય અને અસ્વચ્છ ચીજોનું વેચાણ કરતા તેમજ નિયમોનું પાલન ન કરતા વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.





