ગત ટર્મથી હાંસિયામાં ધકેલાયેલા આગેવાનો ભાજપ પેનલને નુકસાન કરશે?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં આગામી ટર્મના ચેરમેન પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વર્ષોથી યાર્ડમાં પ્રભુત્વ ધરાવતા કેટલાક આગેવાનોને ગત ટર્મ દરમિયાન હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા, જેના કારણે આ વખતે ચેરમેન પદની પસંદગી વધુ ચર્ચાનો વિષય બની છે. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડનું નિર્માણ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, મહેશ પટેલ અને કનકસિંહ ઝાલાના પ્રયત્નોથી હાથ ધરાયું હતું. યાર્ડ કાર્યરત બન્યા બાદ પ્રથમ તબક્કામાં કનકસિંહ ઝાલાએ ચેરમેન તરીકે અને મનીષભાઈ પટેલે વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. તે સમયે ડિરેક્ટર વાઘજીભાઈ પટેલ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જોકે આગામી ટર્મમાં તક આપવાની સમજાવટ બાદ મામલો શાંત થયો હતો. બાદમાં વાઘજીભાઈ પટેલે વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડી હતી અને ચૂંટણી બાદ ફરી ભાજપ સાથે જોડાયા હતા. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ચેરમેન પદની પસંદગી વખતે ભાજપના નેતાઓ આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈ નિર્ણય કરી શકે છે. સાથે જ વાઘજીભાઈ પટેલને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવાય તો ચૂંટણી દરમિયાન રાજકીય ભડકો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પૂર્વ ચેરમેન મહેશ પટેલની રાજકીય મહત્વાકાંક્ષા પર ફરી ચર્ચા
છેલ્લા એક દાયકાથી ધ્રાંગધ્રા વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા મહેશ પટેલ અગાઉ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે. જોકે યાર્ડના નવા માળખા બાદ તેઓ ચેરમેન પદેથી દૂર થતા રાજકીય રીતે તેમની અસર ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
ચેરમેન પદ માટે પાટીદાર સમાજના બે દાવેદાર
ગત ટર્મમાં ક્ષત્રિય સમાજના આગેવાનને ચેરમેન પદ મળ્યા બાદ આ વખતે પાટીદાર સમાજને તક મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચેરમેન પદ માટે વાઘજીભાઈ પટેલ અને હાલના વાઇસ ચેરમેન મનીષભાઈ પટેલના નામો મુખ્ય દાવેદારો તરીકે સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠન અને યાર્ડના ડિરેક્ટરો વચ્ચેની બેઠકો બાદ ચેરમેન પદ માટે કોના નામ પર મહોર વાગે છે તેના પર સૌની નજર મંડાઈ છે.



