સ્થાનિક સ્વરાજ્યથી વિધાનસભા સુધી પહોંચવાનો સંકલ્પ
વસ્તડી ભવાનીધામે રાજપૂત સમાજના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા પ્રતિનિધિઓનું ભવ્ય સન્માન કરાયુ
- Advertisement -
સમારોહમાં સમાજની નવી પેઢીને શિક્ષણ, સામાજિક સેવા અને જાહેર જીવનમાં વધુ સક્રિય બનવા પ્રેરણા
સમગ્ર ગુજરાતમાં 75 લાખથી વધુ કારડીયા રાજપૂત સમાજના લોકો વસવાટ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજની એકતા અને સામાજિક સંગઠનના પ્રતિક તરીકે વિકસી રહેલા વસ્તડી ભવાનીધામ મંદિરના પ્રાંગણમાં રાજપૂત સમાજના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા પ્રતિનિધિઓના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો હતો. નેશનલ હાઇવે પર આવેલ વસ્તડી ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની એકતા, સંગઠન અને રાજકીય સશક્તિકરણના સંદેશ સાથે “જય ભવાની”ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા. શ્રીવસ્તડી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આયોજને યોજાયેલા સ્નેહમિલન અને સન્માન સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા રાજપૂત સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા રાજપૂત સમાજની રાજકીય ભાગીદારી વધારવા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળેલી સફળતાને આગામી સમયમાં વધુ ઊંચા સ્તરે લઈ જવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમાજના પ્રતિનિધિઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને હવે વિધાનસભા સુધી પહોંચવા માટે સંગઠિત પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 75 લાખથી વધુ કારડીયા રાજપૂત સમાજના લોકો વસવાટ કરે છે. સમાજની આ વિશાળ શક્તિને એક મંચ પર લાવવા માટે વસ્તડી ખાતે નિર્માણાધીન ભવાની ધામ મંદિર મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. નેશનલ હાઇવે પર નિર્માણ પામી રહેલું આ ભવ્ય ધામ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સામાજિક એકતા, સંસ્કૃતિ અને સંગઠનનું પણ પ્રતિક બની રહ્યું છે. કાર્યક્રમમાં સમાજના વડીલો, આગેવાનો, યુવા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સ્નેહમિલનના માધ્યમથી સમાજના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકો વચ્ચે પરસ્પર સંવાદ અને સંગઠન મજબૂત બન્યું હતું. સમારોહ દરમિયાન સમાજની નવી પેઢીને શિક્ષણ, સામાજિક સેવા અને જાહેર જીવનમાં વધુ સક્રિય બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનહિતના કાર્યોમાં વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વસ્તડી ભવાની ધામ ખાતે યોજાયેલ આ સન્માન સમારોહ માત્ર વિજેતા પ્રતિનિધિઓના અભિનંદન પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ સમગ્ર કારડીયા રાજપૂત સમાજની એકતા, સંગઠનશક્તિ અને ભાવિ રાજકીય દિશાને ઉજાગર કરતો મહત્વપૂર્ણ કાર્યક્રમ બની રહ્યો હતો.



