રાજકોટના ડે. મેયર તરીકે દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન પદે પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણા
ઈન્ચાર્જ મ્યુ. કમિશનર અનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ: મેયર-ડેપ્યુટી મેયર બિનહરીફ જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 76 દિવસથી ચાલી રહેલા વહીવટી શાસનનો અંત આવ્યો છે અને આખરે લોકશાહી ઢબે પદાધિકારીઓનું રાજ પરત ફર્યું છે. ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં રાજકોટના 23માં મેયર તરીકે ડો. નેહલ શુક્લ અને 35માં ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત, મનપાની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના 35માં ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામ પર મહોર મારવામાં આવી છે.
બંધ બારણે ચાલતી મિટિંગમાં નીતિન ભારદ્વાજ પહોંચ્યા અને મામલો થાળે પડ્યો
- Advertisement -
આજરોજ પદાધિકારીઓના જાહેર કર્યા પૂર્વે ભાજપ નેતાઓની સંકલનની ચાલુ બેઠક દરમિયાન પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને ઉદય કાનગડ તેમજ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા બહાર આવ્યા અને ફરી બંધ બારણે અન્ય ચેમ્બરમાં બેઠક શરૂ કરી. ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારમાંથી તેમના ઉમેદવાર માટે લોબિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માધવ દવે અને ઉદય કાનગડ વચ્ચે ચડભડ થઈ હોવાની વાયો પણ વહેતી થઈ હતી. જોકે બંધ બારણે ચાલતી મિટિંગમાં નીતિન ભારદ્વાજ પહોંચ્યા હતા અને તેમની સમજાવટ થતા સૂજબૂજથી મામલો થાળે પડ્યો હતો.
ડૉ. નેહલ શુક્લ મેયર બનતાં જ એક્શન મોડમાં: પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં 70%નો ઘટાડો કરાશે
શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. રાજકોટ મનપાના ઈતિહાસમાં પદાધિકારીઓની નિમણૂંક માટે આટલો લાંબો વિલંબ ક્યારેય થયો નથી. 76 દિવસ સુધી ચાલેલી આ ખેંચતાણ દરમિયાન રોજ સવારે નવા નામો રેસમાં આવતા અને સાંજ સુધીમાં ચિત્ર બદલાઈ જતું હતું. ટિકિટ મેળવવા અને પદ મેળવવા માટે ચૂંટાયેલા સભ્યો દ્વારા એડીચોટીનું જોર લગાવીને ભારે લોબિંગ કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લી ઘડીએ પૂર્વ સાંસદ સ્વ. ચીમનભાઈ શુક્લના પુત્ર ડો. નેહલ શુક્લે બાજી મારી લીધી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ડો. નેહલ શુક્લે આખરી કલાકોમાં શૈલેષ જાનીની ટિકિટ કાપીને મેન્ડેટ મેળવવામાં સફળતા મેળવી હતી. મેયર પદ માટે પાટીદાર અને ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર લોબિંગ ચલાવવામાં આવી રહ્યું હતું. પરંતુ, ભાજપ મોવડીમંડળે તમામ જ્ઞાતિવાદી સમીકરણો અને લોબિંગને બાજુ પર મૂકીને ડો. નેહલ શુક્લના નામ પર આખરી મહોર મારી સૌને ચોંકાવી દીધા હતા. લાંબા સમયના વિલંબ બાદ સત્તાના સૂત્રો સંભાળનારા આ નવા પદાધિકારીઓ સામે રાજકોટ શહેરના વિકાસકાર્યોને વેગ આપવા, ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અને સુખાકારીના પ્રશ્નોને ઉકેલવાનો મોટો પડકાર રહેશે. શહેરીજનોને આ નવી ટીમ પાસેથી પારદર્શી અને ગતિશીલ શાસનની અપેક્ષા છે.
રાજકોટ મહાનગરપાલિકામાં મેયરપદ સામાન્ય વર્ગ જાતિના ઉમેદવાર માટે હોવાથી નવા મેયર તરીકે નેહલ શુકલની વરણી થઈ છે. જ્યારે દક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે પરેશ પીપળીયા અને હિરેન ખીમાણીયા શાસક પક્ષ નેતા બન્યા છે. જ્યારે દંડક તરીકે સંજયસિંહ રાણાને જવાબદારી અપાઇ છે. આમ શાસકપક્ષે અનુભવી કોર્પોરેટરો અને નવનિયુકત યુવા કોર્પોરેટરોને બેસાડી અનુભવીઓ અને યુવા શકિતનો સમન્વય સાધ્યો છે. તાજેતરમાં જ મ.ન.પા.ની 2026થી 2031 સુધીની પાંચ વર્ષની ટર્મ માટે કોર્પોરેટરોની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં ભાજપે 72માંથી 65 બેઠકો મેળવી ભવ્યાતિભવ્ય વિજય મેળવી અને શાસન જાળવી રાખ્યું છે.
મેયર તરીકે ચાર્જ લેતા જ ડો. નેહલ શુક્લએ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતા પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં 70 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પાલિકાના વાહનોના થતા બિનજરૂરી વપરાશને રોકીને પ્રજાના ટેક્સના નાણાંનો સદઉપયોગ થાય તે દિશામાં આ એક ઐતિહાસિક અને મોટો વહીવટી નિર્ણય માનવામાં આવી રહ્યો છે. શહેરના ટ્રાફિક અને વાહનચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મેયરે જણાવ્યું છે કે, વર્ષોથી રાહ જોવાઈ રહેલા સાંઢિયા પુલનું તાત્કાલિક લોકાર્પણ કરવામાં આવશે. આ પુલ ખુલ્લો મુકાવાથી રાજકોટના નાગરિકોને ટ્રાફિકની મોટી સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
મહાકાલનો ખેસ ધારણ કરી મેયર પદે સત્તારૂઢ થતા ડૉ. નેહલ શુક્લ
બ્રહ્મ સમાજના અગ્રણી અને નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લ ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે આજે તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ‘મહાકાલનો ખેસ’ ધારણ કરીને પહોંચ્યા હતા. જ્યાં તેઓ મેયરપદે બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ મેયરપદે સત્તારૂઢ થયા હતા.
પ્રજા અડધી રાત્રે પણ ફોન કરશે તો હું ઉપાડીશ: ડૅ. મેયર દક્ષાબેન
રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત સાથે જ સ્થાનિક રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચાલી રહેલી મોટી અટકળોનો આખરે અંત આવ્યો છે. મનપાના ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9 ના મહિલા કોર્પોરેટર અને લોહાણા (રઘુવંશી) સમાજના અગ્રણી દક્ષાબેન વસાણીની વરણી કરવામાં આવી છે. ‘રઘુવંશી યુવા શક્તિ સંઘ’ ના સંસ્થાપક કે.ડી. રઘુવંશી તથા પ્રભારી કુલદિપ રઘુવંશી સહિતના આગેવાનોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. સમાજના તમામ અગ્રણીઓએ ભેગા મળીને દક્ષાબેન વસાણીને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવ્યું હતું અને તેમના આગામી અઢી વર્ષના ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ડે.મેયર તરીકે ચાર્જ સંભાળતા જ દક્ષાબેન વસાણીએ કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટીએ મને ડેપ્યુટી મેયર તરીકે જે જવાબદારી સોંપી છે, તે બદલ હું પક્ષના શીર્ષ નેતૃત્વની આભારી છું. ડેપ્યુટી મેયર તરીકેની મારી જે પણ ફરજો છે, તે હું ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવીશ. પ્રજા જો મને અડધી રાત્રે પણ ફોન કરશે, તો હું મારો ફોન ઉપાડીશ અને તેમની મદદ માટે તૈયાર રહીશ.
અંજલીબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડૉ.નેહલ શુક્લને ‘વિજય’ તિલક કરીને પીઠ થાબડી
રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લએ પદભાર સંભાળતાની સાથે સ્વ.વિજય રૂપાણીના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. ડો.નેહલ શુક્લએ સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં અંજલીબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડો.નેહલ શુક્લને ’વિજય’ તિલક કરીને તેની પીઠ થાબડી પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત સાથે જ રાજકોટના રાજકારણમાં શુક્લ તેમજ રૂપાણી પરિવારનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. શહેરમાં પહેલા ટિકિટ મેળવવા અંગે અને હવે સીધા મેયર પદ સુધીની સફરને લઈને ભારે ચર્ચાઓ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.



