કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ‘પગાર પંચ’ એ માત્ર એક નિયમિત પગાર સુધારણાની પ્રક્રિયા નથી, પરંતુ તેમના આર્થિક ભવિષ્યનો સૌથી મોટો આધાર સ્તંભ છે. હાલમાં 8મા પગાર પંચ બાબતે ભારે હલચલ જોવા મળી રહી છે. જે ચર્ચા માત્ર પગાર અને પેન્શનના સામાન્ય વધારાથી શરૂ થઈ હતી, તે હવે એક દેશવ્યાપી ચર્ચા બની ગઈ છે. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી આક્રમક માંગણીઓએ સરકાર સામે આર્થિક સંતુલન જાળવવાનો એક મોટો પડકાર ઊભો કર્યો છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં એક એવી અનોખી ‘5 ફિટમેન્ટ ફેક્ટર’ ફોર્મ્યુલા છે, જો તે સ્વીકારવામાં આવે તો કેટલાક વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 400%થી વધુનો જંગી વધારો થઈ શકે છે!
અત્યાર સુધીના પગાર પંચોમાં દરેક કર્મચારી માટે એક સમાન ગુણક એટલે કે ફિટમેન્ટ ફેક્ટર રખાતું હતું, પરંતુ આ વખતે ‘ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન’ (IRTSA)એ એક નવો જ પ્રસ્તાવ મૂક્યો છે. જુનિયર અને સીનિયર સ્ટાફ વચ્ચેના પગારના અંતરને યોગ્ય કરવા માટે તેમણે અલગ-અલગ પગાર સ્તરો માટે પાંચ અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે.
- Advertisement -
– લેવલ 1થી 5 માટે: 2.92 નું ફિટમેન્ટ ફેક્ટર
– લેવલ 6થી 8 માટે: 3.50 નું ફિટમેન્ટ ફેક્ટર
– લેવલ 9થી 12 માટે: 3.80 નું ફિટમેન્ટ ફેક્ટર
- Advertisement -
– લેવલ 13થી 16 માટે: 4.09 નું ફિટમેન્ટ ફેક્ટર
– લેવલ 17થી 18 માટે: 4.38 નું ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર એટલે શું?
ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારનો ગુણક છે, જેના આધારે નવો પગાર નક્કી થાય છે. તેનું સરળ સૂત્ર છે:
– નવો બેઝિક પગાર = વર્તમાન બેઝિક પગાર x ફિટમેન્ટ ફેક્ટર
7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું.
પગાર પર કેવી અસર પડશે?
જો આ નવી ફોર્મ્યુલા મંજૂર થાય તો કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો જોવા મળશે.
– વરિષ્ઠ સ્તર (લેવલ 17-18): જે કર્મચારીઓનો બેઝિક પગાર અત્યારે રૂ. 2,50,000 છે, તેમનો નવો પગાર 4.38ના ફેક્ટર સાથે વધીને સીધો અંદાજે રૂ. 10,95,000 થઈ શકે છે.
– મધ્યમ સ્તર (લેવલ 6-8): જે કર્મચારીઓનો બેઝિક પગાર રૂ. 45,000 છે, તેમનો પગાર 3.50ના ફેક્ટર સાથે વધીને રૂ. 1,57, 500 સુધી પહોંચી શકે છે.
અન્ય સંગઠનોની માંગણીઓ
માત્ર IRTSA જ નહીં, અન્ય યુનિયનો પણ પોતાની માંગ મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે.
– નેશનલ કાઉન્સિલ-JCM (Joint Consultative Machinery): લઘુતમ મૂળ પગાર રૂ. 69,000 કરવાની માંગ કરી છે.
– ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ: લઘુતમ પગાર રૂ. 72,000 અને 4.0નું ફિટમેન્ટ ફેક્ટર ઈચ્છે છે.
– રેલવે સ્ટાફની વિશેષ માંગ: ટેકનિકલ સ્ટાફ માટે અલગ પગાર માળખું, ઝડપી બઢતી, 5% વાર્ષિક પગાર વધારો અને નવી ગણતરીઓ શરૂ થાય તે પહેલાં 50% મોંઘવારી ભથ્થાને (DA) મૂળ પગારમાં ભેળવી દેવાની માંગ કરાઈ છે.
‘ફેમિલી યુનિટ’માં સભ્યોની સંખ્યા વધારવા માંગ
કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી, શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચ ખૂબ વધી ગયા છે. કર્મચારીઓ પર આખા પરિવારની જવાબદારી હોય છે. તેથી વેતન નક્કી કરવા માટેના ‘ફેમિલી યુનિટ’ના નિયમને 3 સભ્યોથી વધારીને 5 સભ્યોનો કરવાની માંગ ઉઠી રહી છે.
OPS વિરુદ્ધ NPS
‘જૂની પેન્શન યોજના’ (OPS – Old Pension Scheme)નો મુદ્દો પણ ગરમાયેલો છે. જો કે, યુનિયનો પણ જાણે છે કે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (NPS)ને સંપૂર્ણપણે નાબૂદ કરવી હવે સરળ નથી. તેથી, હવે લડત ‘OPS જેવા જ રક્ષણ’ પર આવી ગઈ છે, જેમાં ગેરંટીકૃત પેન્શન અને DA સાથે જોડાયેલી સુરક્ષાની માંગ સામેલ છે.
સરકાર માટે આર્થિક પડકાર અને મધ્યમ માર્ગ
આ આંકડા જેટલા આકર્ષક લાગે છે, સરકાર માટે તેટલા જ ચિંતાજનક છે. આટલો મોટો પગાર વધારો માત્ર ચાલુ પગાર જ નથી વધારતો, પરંતુ તેનાથી પેન્શન, ભથ્થાં અને લાંબા ગાળાના આર્થિક બોજમાં પણ ભારે વધારો થાય છે. વળી, કેન્દ્રના પગાર પંચ બાદ રાજ્ય સરકારો પણ પોતાના માળખા બદલે છે, જેથી રાજ્યો પર પણ બોજ વધે છે. તેથી આંતરિક સૂત્રો માને છે કે સરકાર મોંઘવારી અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કોઈ મધ્યમ માર્ગ પસંદ કરી શકે છે.
દેશવ્યાપી પરામર્શ અને આગામી પગલાં
કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025ના રોજ ઔપચારિક રીતે આ 8મા પગાર પંચની રચના કરી હતી. હાલમાં નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ હેઠળની પેનલ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ બેઠકો કરી રહી છે. લખનૌ, હૈદરાબાદ, શ્રીનગર અને જમ્મુ-કાશ્મીર બાદ હવે આ ટીમ 6 અને 7 જુલાઈના રોજ ભુવનેશ્વરની મુલાકાત લેવાની છે.
ભારતમાં 1946થી દર દાયકામાં પગાર પંચની રચના કરવાની પરંપરા છે. આ વખતે આ કવાયત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તેના નિર્ણયોની સીધી અસર કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓ પર પડવાની છે.
હવે જોવાનું એ રહેશે કે સરકાર કર્મચારીઓની આ આકાશ આંબતી અપેક્ષાઓ અને દેશની આર્થિક સ્થિતિ વચ્ચે કેવું સંતુલન સાધે છે.




