મોરબીના લક્ષ્મીવાસ ગામની રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
‘જળ એ જ જીવન’ ના મંત્રને સાર્થક કરતા મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-2026’ દરમિયાન મોરબીના લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ ગૌરવશાળી પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદ્રઢ માળખા માટે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહીને અન્યો માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે કરવામાં આવેલું સુઆયોજન અને લોકભાગીદારીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લઈ સરાહના કરવામાં આવી છે. જળ સંચયની સાથે સાથે જળ વિતરણમાં થતો બગાડ અટકાવવા અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થાપન કરવાના નવતર અભિગમે આ ગામને દેશના શ્રેષ્ઠ ગામોની યાદીમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે.
સંબંધિત વિભાગો વચ્ચેના આંતરિક સંકલન વિશે માહિતી આપતા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને મળેલું આ રાષ્ટ્રીય બહુમાન રાજ્ય સરકારના ત્રણ મહત્વના વિભાગોના પરસ્પર સંકલનનું ઉત્કૃષ્ટ પરિણામ છે. મોરબી પાણી પુરવઠા વિભાગ, વાસમો (ઠઅજખઘ) અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ૠઠઈંક) એમ ત્રણેય વિભાગોએ ખભેખભા મિલાવીને કરેલી કામગીરીના કારણે જ છેવાડાના માનવી સુધી નળ વાટે જળ પહોંચાડવાનું લક્ષ્ય સિદ્ધ થઈ શક્યું છે. વાસમો દ્વારા લોકજાગૃતિ અને આંતરિક માળખું, ૠઠઈંક દ્વારા બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને પાણી પુરવઠા વિભાગના ટેકનિકલ માર્ગદર્શનના ત્રિવેણી સંગમે લક્ષ્મીવાસને આ ગૌરવ અપાવ્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. લક્ષ્મીવાસ ગામની આ અદભુત સફળતા માત્ર મોરબી જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. આ રાષ્ટ્રીય સન્માન સ્પષ્ટપણે દર્શાવે છે કે જો વહીવટી તંત્રનું સુચારુ આયોજન અને સ્થાનિક ગ્રામજનોનો મજબૂત સહયોગ હોય તો ગ્રામ્ય સ્તરે પણ વૈશ્વિક કક્ષાનું આધુનિક માળખું સરળતાથી તૈયાર કરી શકાય છે.



