રાજકોટને મેયર સહિતના પદાધિકારીઓ મળે તેમાં હજુ એક અઠવાડિયું લાગી જશે
નામોની સત્તાવાર જાહેરાત થાય, તો પણ જનરલ બોર્ડનો એજન્ડા બહાર પાડી તમામ સભ્યોને જાણ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવો કાયદાકીય રીતે અનિવાર્ય
- Advertisement -
ચારેય વિધાનસભા બેઠકોના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણો સાચવીને મુખ્ય પાંચ પદાધિકારીઓની વહેંચણી કરવાની અત્યંત સાવચેતીપૂર્વક મથામણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, મનપાના ઈતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો લાંબો સમય પદાધિકારીઓના નામ જાહેર કરવામાં લાગી રહ્યો છે. ગત તા. 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી અને આજે અંદાજે 1 મહિના જેટલો સમય પસાર થવા આવ્યો હોવા છતાં, હજી સુધી પ્રદેશ કક્ષાએથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય 5 પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વહીવટી અને રાજકીય વિલંબને કારણે મહાપાલિકાનું સ્થાનિક શાસન સંપૂર્ણપણે અટકી પડ્યું છે. રાજકીય અને વહીવટી વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ, પ્રદેશ કક્ષાએથી જો ચાલુ સપ્તાહના બુધવાર કે ગુરૂવાર સુધીમાં નામોની જાહેરાત કરી પણ દેવામાં આવે, તો પણ રાજકોટને મેયર સહિતના નવા પદાધિકારીઓ મળે તેમાં હજુ આખું એક અઠવાડિયું લાગી જશે. મે મહિનાના અંતિમ દિવસોમાં જ હવે રાજકોટને નવા શાસકો મળે તેવા સંજોગો ઊભા થયા છે.
સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તુરંત જ શાસક પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવીને પદાધિકારીઓના નામ નક્કી કરી લેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ જોવા મળી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત ગોઠવાઈ હતી. આ હાઈપ્રોફાઈલ વિઝિટના કારણે રાજ્ય સરકાર, પ્રદેશ કક્ષાની નેતાગીરી અને સમગ્ર વહીવટી તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમોના આયોજન અને વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયું હતું. જેના કારણે પદાધિકારીઓના નામ આખરી કરવા માટે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઘણી મોડી યોજાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, વિલંબથી કેમ નહી પણ હવે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ગઈ છે અને તેમાં વિસ્તૃત ચર્ચા થઈ ચૂકી છે, તેમ છતાં પ્રદેશ કક્ષાએથી હજી સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે નામો નક્કી કરવામાં પ્રદેશ નેતાગીરી દ્વારા અત્યંત સાવચેતી રાખવામાં આવી રહી છે, જેને કારણે આ ઐતિહાસિક વિલંબ સર્જાયો છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પ્રદેશ કક્ષાએથી પદાધિકારીઓના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ પાછળનું એક મુખ્ય કારણ રાજકીય સમીકરણોની ગોઠવણ પણ છે. રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠકોના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને સાચવી લેવા માટે નેતાગીરી મથામણ કરી રહી છે. આ નવા શાસક પક્ષના માળખામાં જે મુખ્ય 5 પદાધિકારીઓની નિમણુંક કરવાની થાય છે, તેમાં રાજકોટની ચારેય વિધાનસભા બેઠકોના પ્રતિનિધિઓનો સમાવેશ કરી લેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના હોદ્દાની વહેંચણી એવી રીતે કરવામાં આવશે જેથી કોઈ પણ વિધાનસભા વિસ્તાર અન્યાયની લાગણી ન અનુભવે અને આગામી સમયમાં સંગઠન તેમજ વહીવટ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે.



