પુત્રને ધોરણ-10માં 70% આવ્યાં હતા, પરિવારમાં શોક : કારણ જાણવા તપાસ તેજ
ગોંડલમાં સામૂહિક આપઘાત: પિતરાઈને બાળકોની હત્યા અંગે જાણ કરી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં એક સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના બની છે ઘોઘાવદર રોડ પર આવેલા ’ગાયત્રી સિમેન્ટ’ નામના કારખાનામાં એક પિતાએ પોતાના બે તેજસ્વી સંતાનોની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સામૂહિક આપઘાતનું પ્રાથમિક કારણ ધંધો ઠપ્પ થવાના કારણે આર્થિક નુકસાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમ છતાં ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ તેજ કરી છે.
મૂળ કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં ’ગાયત્રી સિમેન્ટ’નું કારખાનું ચલાવતા જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયાએ ગત સવારે તેમના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને સાથે કારખાને લઈ ગયા હતા ત્યાં જયપાલભાઈએ અગમ્ય કારણોસર પ્રથમ પોતાના બંને સંતાનોને ગળાટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ કારખાનામાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. પુત્ર મિશ્ર ગોંડલની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં તેણે 70% ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું. પુત્રી રિવા રામોદની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી જયપાલભાઈ તોગડીયાના પરિવારમાં વૃદ્ધ પિતા, પત્ની અને બે બાળકો હતા. આર્થિક રીતે સધ્ધર અને સુખી દેખાતા પરિવારમાં અચાનક આવી કઈ આફત આવી કે પિતાએ આટલું કઠોર પગલું ભરવું પડ્યું, તે રહસ્ય હજુ અકબંધ છે. જો કે ધંધો ઠપ્પ થવાના કારણે આર્થિક નુકસાન થવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
જયપાલભાઈએ તેનાં પિતરાઈ અલ્પેશભાઈને વિડીયો બનાવી પોતે પુત્ર-પુત્રીનાં ગળા દબાવી પોતે ગળાફાંસો ખાઈ રહ્યાની જાણ કરતા અલ્પેશભાઈ તથા અન્ય પરીવારજનો કારખાને દોડી ગયા હતાં.
પરંતુ તે પહોંચે તે પહેલાં જયપાલભાઈએ લટકી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ઘટનાની જાણ થતા જ ગોંડલ શહેર અ ડિવિઝન પોલીસનો કાફલો અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે એકસાથે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સાંઢવાયા ગામ અને ગોંડલના વેપારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે સાચું કારણ જાણવા પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.



