વૃક્ષો વાવ્યા પણ શહેરની બહાર, માર્ગો પર માત્ર ડામર
ધગધગતા ડામરના માર્ગો વચ્ચે જનતાને રાહત આપવામાં શાસકો નિષ્ફળ
- Advertisement -
સર્કલના સંચાલકોની લ્હાણી થઈ પણ ફૂવારા મુકાવ્યા નથી: એસી ઓફિસમાં બેસતા નેતાઓને જનતાની ગરમીનો અંદાજ ન આવ્યો
ત્રિકોણબાગ ખાતે રોશનીના જૂના થાંભલા ઉભા કરી ગ્રીન નેટ બાંધવાની ફરજ પડી; સ્પ્રિંકલર દ્વારા કૃત્રિમ ઠંડક આપવા તંત્રની કવાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને ડામરના રસ્તાઓ ભઠ્ઠીની જેમ તપી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં જનતાને રાહત આપવા માટે જે વૃક્ષો અને ફૂવારાઓની જરૂર હતી, તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
ભૂતકાળમાં એસી કાર અને એસી ઓફિસોમાં બેસીને નિર્ણયો લેનારા શાસકોએ ક્યારેય શહેરના મુખ્યમાર્ગો પર વૃક્ષારોપણ કે સર્કલો પર ફૂવારા મૂકવાનું આયોજન કર્યું નથી. પરિણામે, ઉનાળાના બે માસ વીતી ગયા પછી હવે તંત્રને જાગૃતિ આવી છે અને છાંયડા માટે ગ્રીન નેટ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા લાખો વૃક્ષો વાવ્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વૃક્ષો કાં તો શહેરની બહારના વિસ્તારોમાં છે અથવા તો દૂરની જગ્યાઓમાં. શહેરના વ્યસ્ત માર્ગો પર કુદરતી ઠંડક આપે તેવા વૃક્ષો જ બચ્યા નથી. જો મુખ્યમાર્ગો પર નિશ્ચિત અંતરે ઘટાદાર વૃક્ષો હોત, તો આજે તાપમાન ઘણું નિયંત્રિત હોત અને વાહનચાલકોને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું ન પડત. શાસકોની આ દીર્ઘદ્રષ્ટિના અભાવે આજે રાજકોટના રસ્તાઓ પર નીકળવું મુશ્કેલ બન્યું છે.
શહેરના મુખ્ય સર્કલો વિવિધ સંસ્થાઓને સંચાલન માટે સોંપવામાં આવ્યા છે. ગત ટર્મમાં આ સર્કલોની લ્હાણી તો કરવામાં આવી, પરંતુ સંચાલકો માટે ફૂવારા બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું નહોતું. જો જ્યુબિલી ચોક, હોસ્પિટલ ચોક, ઇન્દિરા સર્કલ, કેકેવી, રામાપીર ચોક અને ત્રિકોણબાગ જેવા વિસ્તારોમાં કાર્યરત ફૂવારા હોત, તો પસાર થતા લોકોને મોટી રાહત મળી હોત. ફૂવારામાં પાણીનો વેડફાટ થતો નથી કારણ કે તે પાણી રિસાઈકલ થતું હોય છે, તેમ છતાં તંત્રએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી. હવે જ્યારે ગરમી અસહ્ય બની છે, ત્રિકોણબાગ જેવા ગીચ વિસ્તારમાં મંડપ બાંધવા મુશ્કેલ હોવાથી રોશની વિભાગના જૂના થાંભલા મંગાવવામાં આવ્યા હતા. આ થાંભલાના આધારે 50 ફૂટ બાય 60 ફૂટની ગ્રીન નેટ ઉભી કરવામાં આવી છે. આ સાથે જ ફોગર્સની જેમ ધુમ્મસ છૂટે તેવા સ્પ્રિંકલર પણ મૂકવામાં આવશે જેથી લોકોને કૃત્રિમ ઠંડક મળી શકે. આવી નેટ શહેરના અન્ય ચોકમાં પણ બાંધવાનું આયોજન છે.



