યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળ્યા: ઈરાનનો કટાક્ષ- આગામી પડાવ 140 ડોલર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમત 126 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. તાજેતરના આંકડા મુજબ, બ્રન્ટ ક્રૂડની કિંમત લગભગ 126.31 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે માર્ચ 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. હાલમાં તે 125 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, તેનું કારણ ટ્રમ્પનું તે નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા, ઈરાનના બંદરો પર પોતાની સૈન્ય નાકાબંધી ચાલુ રાખશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી નહીં કરે, ત્યાં સુધી આ નાકાબંધી હટશે નહીં. આ નિર્ણયની સીધી અસર હોર્મુઝ પર ચાલી રહેલા તણાવ પર પડી છે, જે દુનિયાના સૌથી મહત્વના તેલ સપ્લાય રૂટ પૈકીનો એક છે. આ કારણે તેલના સપ્લાયને લઈને અનિશ્ચિતતા વધી ગઈ છે. બીજી તરફ, તેલની કિંમતો વધવા અંગે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે કટાક્ષ કરતા કહ્યું કે આગામી પડાવ 140 ડોલર થવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ટ્રમ્પને તેમના લોકો નકામી સલાહ આપી રહ્યા છે. તેમણે અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટની પણ મજાક ઉડાવી અને કહ્યું કે તેમની સલાહને કારણે તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે બ્રન્ટ ક્રૂડની કિંમત ઝડપથી વધીને અંદાજે 126 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બુધવારની સરખામણીમાં આશરે 7% ના વધારા સાથે તે 126.20 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. 8 માર્ચ 2022 ના રોજ ક્રૂડ ઓઈલની કિંમત 127.98 ડોલર પ્રતિ બેરલ હતી, ત્યારબાદની આ અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે. ગયા અઠવાડિયે ઓઈલની કિંમત 100 ડોલરની આસપાસ હતી.
અમેરિકા-ઈરાન વાતચિતમાં પેચ ક્યાં ફસાયો?
1. પરમાણુ કાર્યક્રમ: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરી દે. પરંતુ ઈરાનનું કહેવું છે કે જો તેના પર રોક લગાવવી હોય, તો તે વધુમાં વધુ 5 વર્ષ માટે જ હશે, કાયમ માટે નહીં.
- Advertisement -
2. યુરેનિયમનો ભંડાર: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પાસે રહેલું 400 કિલો સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપી દેવામાં આવે. ઈરાને આ માગનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે.
3. હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાન કહે છે કે જ્યાં સુધી અમેરિકા તેના બંદરો પર લગાવેલા પ્રતિબંધો હટાવશે નહીં, ત્યાં સુધી તે આ દરિયાઈ માર્ગ પર રોક ચાલુ રાખશે. બીજી તરફ, અમેરિકાનું કહેવું છે કે જ્યાં સુધી સંપૂર્ણ સમજૂતી ન થાય, ત્યાં સુધી પ્રતિબંધો હટશે નહીં.
4. ફ્રોઝન એસેટ્સ: ઈરાન ઈચ્છે છે કે તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવામાં આવે અને તેના અંદાજે 20 અબજ ડોલર જે સીઝ કરવામાં આવ્યા છે, તે પરત કરવામાં આવે.
5. યુદ્ધનું વળતર: ઈરાનનું કહેવું છે કે અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓથી તેને જે નુકસાન થયું છે, તેના માટે અંદાજે 270 અબજ ડોલરનું વળતર અપાય.
6. પ્રાદેશિક પ્રભાવ: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેના સહયોગી જૂથો જેવા કે હિઝબુલ્લાહ અને હમાસને સમર્થન આપવાનું ઓછું કરે અને પોતાના મિસાઈલ પ્રોગ્રામને પણ મર્યાદિત કરે. ઈરાન આ માટે તૈયાર દેખાઈ રહ્યું નથી.



