રાજકોટ મહાનગરપાલિકાની પિન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૨૩-૧૯૯૩નો શુભારંભ આશરે ૧ મહિના પહેલા કરવામાં આવેલ. શહેરીજનોની સુખાકારી માટેની અને ફરિયાદોના ફીડબેકની સુવિધા સભર આ સેવાનો લોકો દ્વારા લેવામાં આવેલ લાભ અને મહાનગરપાલિકા દ્વારા તે પરત્વે કરવામાં આવેલ કાર્યવાહીની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ જણાવે છે કે ગત તા.૨૩/૦૯/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવાનો શુભારંભ કરવામાં આવેલ ત્યારથી આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા ૨૯ વિભાગોની લગભગ ૨૭,૯૫૧ ફરિયાદો રજિસ્ટર થઈ છે તે પૈકી ૨૬,૦૭૪ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. આ ફરિયાદો પૈકી ૧૦,૨૦૧ ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફ્લો અંગેની, ૬,૨૭૪ ફરિયાદો રોશની અંગેની ૩,૬૬૮ ફરિયાદો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની,૨,૭૯૫ ફરિયાદો પાણી-પુરવઠા અંગેની ૧,૫૧૬ ફરિયાદ બાંધકામ અંગેની આવેલ હતી. આ ફરિયાદો પૈકી લગભગ ૯૩%ફરિયાદોનો નિકાલ થઇ ગયેલ છે હાલમાં લેવલ ૧ થી ૪ ના અધિકારીઓ પાસે કુલ ૧૮૭૭ ફરિયાદો પેન્ડીંગ છે. આમ એકંદર જોતા લોકો દ્વારા આ સેવાનો ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવેલ છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરિયાદોનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવેલ છે.



