સરસપુર-રખિયાલ વોર્ડમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારકનો વિરોધ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી રહ્યા છે, પરંતુ ઠેર ઠેર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે(19 એપ્રિલ) જીગ્નેશ મેવાણી રખિયાલ-સરસપુર વોર્ડની પેનલના પ્રચાર માટે આવ્યા હતા. જે દરમિયાન રેલી પણ યોજવામાં આવી હતી. રેલીના રૂટ પર સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવીને જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો વિવાદ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. સિનિયર નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપી દીધી હતી. સરસપુર રખિયાલ વોર્ડમાં પણ સિનિયર નેતાઓની જીદના કારણે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલી દેવામાં આવ્યું હતું. જેથી સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતા હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેવી હવે સરસપુર રખિયાલ વોર્ડમાં ઉમેદવારોની સાથે સાથે સ્ટાર પ્રચારકનો પણ વિરોધ થઈ રહ્યો છે.
ગઈકાલે સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણી સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા. તેમજ વિવાદ વધારે ન થયા તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ રાખવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે, સરસપુર રખિયાલ વોર્ડમાં મારી પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. તેમજ મેન્ડેટ લેવા માટે પણ આવવા કહેવામાં આવ્યું હતું. જેથી અમે બધી જગ્યાએ પોસ્ટ મુકીને ટિકિટ મળી ગઈ છે તેવી ઉજવણી પણ કરી દીધી હતી. પરંતુ છેલ્લી ઘડીએ અમારી ટિકિટ કાપીને અન્ય મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. હિંમતસિંહ પટેલ પાસે ગયા હતા તો તેમણે એવું કહ્યું કે તે ઉપરથી વાત કરાવીને ટિકિટ લઈને આવ્યા છે. જેથી સક્રિય કાર્યકર્તા છીએ છતાં ટિકિટ કાપતા મેં રાજીનામું આપી દીધું હતું. જેથી ગઈકાલે રેલી દરમિયાન અમારા સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને કાળા ઝંડા ફરકાવી વિરોધ કર્યો હતો.



