ઇંટોના ભઠ્ઠાના ધંધાર્થીએ મહિલા સહિત છ વ્યાજખોરો સામે નોંધાવી પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટના નવાગામમાં રહેતા અને માડાડુંગર પાસે ઈટને ભઠ્ઠો ધરાવતા દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડળી ઉ.42એ છ વ્યાજખોરો પાસેથી અલગ-અલગ દરે વ્યાજે લીધેલા 85 લાખ સામે મૂળ રકમ કરતા વધુ વ્યાજ આપવા છતા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
થોરાળા પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રભાઈએ ભીચરીના વ્યાજખોર મહેશ નરસંગભાઈ રાઠોડ, ચુનારાવાડના રાજુ ભલસોડ, રાજપીપળાના નાગદાન આહીર, ચુનારાવાડમાં રહેતા મુના ફુલવાળાની પત્ની, દૂધની ડેરી પાસે રહેતો રાજુ મહાકાળી પાનવાળા અને કુવાડવાના રાકેશ ઉર્ફે કાના રમેશભાઈ ગોસ્વામી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2018માં ધંધામાં ખોટ આવતા તેણે મહેશ પાસેથી 2 ટકા લેખે 8 લાખ વ્યાજે લીધા હતા. જરૂરીયાત ઉભી થતા ફરીથી કટકે-કટકે 5 લાખ મળી કુલ 13 લાખ લીધા હતા. જેનું દર મહિને 26,000 વ્યાજ ચુકવતા હતા. તેણે અત્યાર સુધીમાં 27 લાખ રોકડા આપી દીધા હોવા છતાં આરોપી ‘સારાવટ નહી રહે’ કહી ધમકી આપતો હતો.2018માં જ તેણે રાજુ પાસેથી અલગ-અલગ સમયે 3 ટકા લેખે 7 લાખ લીધા હતા. જેના બદલામાં તેને 9 લાખ ચુકવી દીધા હોવા છતા ધમકી આપતો હતો 2020માં નાગદાન પાસેથી 4 ટકા લેખે 13 લાખ લીધા હતા. જેને અત્યાર સુધીમાં 13 લાખ ચૂકવી દીધા છતા તે ધમકી આપતો હતો.
2018માં મુન્ના ફુલવાળા પાસેથી અઢી ટકા લેખે 4 લાખ લીધા હતા. જેનું દર મહિને 10 હજાર વ્યાજ ચુકવતા હતા મુન્નાભાઈના મૃત્યુ બાદ તેની પત્નીએ ફોન કરી ધમકી આપી હતી 2021માં આરોપી રાજુ પાસેથી પાંચ ટકા લેખે 13 લાખ લીધા હતા. જેને 15 લાખ ચુકવ્યા છતાં ધમકી આપતો હતો. આ ઉપરાંત રાકેશ ઉર્ફે કાના પાસેથી 2022માં અલગ-અલગ સમયે પાંચ ટકા લેખે 35 લાખ લીધા હતા. જેને 50 લાખ ચુકવવા છતા તે ધમકી આપતો હતો. તેમજ આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી ગાળો દઈ ત્રાસ આપતા હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ અન્વયે પીએસઆઈ ડોબરીયા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



