ગિરનાર સ્થિત અંબાજી મંદિરના વાયરલ વિડીયો વિવાદમાં કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
ગરવા ગિરનાર પર સ્થિત આસ્થાના પ્રતિક સમાન અંબાજી માતાજીના મંદિર પરિસરમાં બનેલી ગંભીર ઘટનામાં જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસિયાના આદેશ બાદ થયેલી તપાસમાં દારૂ અને નોનવેજ સેવન તેમજ દાનપેટીની આવક સાથે ચેડા કરવાના આરોપોમાં કુલ 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે નિર્દોષ લોકોને ક્લીનચિટ આપવામાં આવી છે. તપાસની જવાબદારી સોંપાયેલા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સ્થળ નિરીક્ષણ અને નિવેદનોના આધારે સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં ખુલ્યું કે તા. 22-10-2025ના રોજ બનેલી આ ઘટનામાં 6 લોકો દ્વારા મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજનું સેવન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે મંદિરના મુખ્ય પૂજારીના પુત્ર અભિષેક કિશોરસિંહ ચૌહાણનું નામ સામે આવ્યું છે, જ્યારે છગનભાઈ ડાભી દ્વારા દારૂ અને નોનવેજ મંદિર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવાઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
તપાસ મુજબ આરોપીઓ અનધિકૃત રીતે સીડી મારફતે મંદિર સુધી પહોંચ્યા હતા અને રાત્રિના સમયે મંદિરના ગોખ વિસ્તારમાં દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ મંદિરના ભંડાર વિસ્તારમાં જઈ મટનનું સેવન કર્યું હતું. મહત્વની વાત એ છે કે, આ તમામ લોકોએ મંદિર તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વગર પ્રવેશ કરીને રાત્રિ રોકાણ પણ કર્યું હતું, જેનાથી લાખો ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજી એક ગંભીર ઘટનામાં મંદિરની દાનપેટીની આવક સાથે ચેડા અને નાણાકીય ગેરરીતિના મામલે પણ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. કેટલાક પૂજારીઓ દ્વારા દાનપેટી પર કપડું કે વાસણ મૂકીને ભક્તો પાસેથી મળતી રકમને દાનપેટીમાં જમા કર્યા વગર પોતે રાખી લેવાની ગેરરીતિ કરવામાં આવી હોવાનું વિડિયો પુરાવા પરથી સ્પષ્ટ થયું છે.
આ મામલે યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ કુલ 5 શખ્સો સામે પણ ઋઈંછ નોંધવામાં આવી છે. જેમાંથી માત્ર એક જ અધિકૃત પૂજારી હતો જ્યારે બાકીના તમામ અનધિકૃત હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, દાનપેટી દર મહિને એકવાર સત્તાવાર રીતે ખોલવામાં આવે છે અને એકત્રિત રકમ બેંક ખાતામાં જમા થાય છે. છતાં આ પ્રકારની ગેરરીતિ સામે આવવી ગંભીર બાબત છે. આ સમગ્ર ઘટનાને લઈને વહીવટદારની ભૂમિકા પણ તપાસ હેઠળ છે અને તેમની બેદરકારી સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સાથે સાથે મંદિર વ્યવસ્થામાં સુધારા માટે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હાલ મહંતની નિમણૂક પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી છે અને નવી પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા, કર્મચારીઓનું રજીસ્ટર, રાત્રિ રોકાણ પર પ્રતિબંધ, નિયમિત નિરીક્ષણ અને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા કલેકટરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના કોઈપણ ધર્મસ્થાનની ગરિમા સાથે ચેડા સહન કરવામાં આવશે નહીં અને આવાં કૃત્યો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ ખબરે લખ્યું તે જ થયું : દોષિતો સામે ગુનો દાખલ
ખાસ ખબર ન્યૂઝ જુનાગઢ દ્વારા આ મામલે શરૂઆતથી જ કહેવામાં આવ્યુ હતુ કે દોષિતો સામે ગુનો નોંધાશે આખરે તે વાત સાચી પડી. આ ગંભીર ઘટનાઓને લઈને આખરે તંત્રે કડક પગલાં લીધા છે. બંને વિડીયો વિવાદમાં કુલ 11 શખ્સો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
- Advertisement -
અંબાજી મંદિર મહંતની નિમણૂક પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવી
કલેક્ટરના આદેશ બાદ તપાસમાં દોષિતો સામે ઋઈંછ, નિર્દોષોને ક્લીનચિટ
મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર સામે ગુનો નોંધાયો
દારૂના સેવનના કેસમાં મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક ચૌહાણ, જીગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને બે સગીર સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. તપાસમાં ખૂલ્યું છે કે છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને નોનવેજ ઉપર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.
મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા, રાત્રિ રોકાણ પર પ્રતિબંધ સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઇ
મંદિર વ્યવસ્થામાં સુધારા માટે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હાલ મહંતની નિમણૂક પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી છે અને નવી પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા, કર્મચારીઓનું રજીસ્ટર, રાત્રિ રોકાણ પર પ્રતિબંધ, નિયમિત નિરીક્ષણ અને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ આપવામાં આવી છે.
દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં એક પૂજારી સામે પણ ગુનો નોંધાયો
આ આર્થિક છેતરપિંડીમાં સામેલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પૈકી માત્ર એક જ વ્યક્તિ અધિકૃત પૂજારી હતો, બાકીના તમામ અનધિકૃત રીતે પૂજાના બહાને નાણાં ઉઘરાવતા હતા.



