પૂર્વ કલેક્ટર હવે મનપાના વહીવટદાર: રેમ્યા મોહને હોદ્દો ગ્રહણ કરતા જ અધિકારીઓ સાથે બેઠક યોજી
રેમ્યા મોહન 2019થી રાજકોટના 49માં કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યાં છે: મેયરની ચેમ્બરમાંથી કામગીરી શરૂ કરી
- Advertisement -
રાજકોટ મનપાના વહીવટદાર તરીકે નિમણૂક પામેલા રેમ્યા મોહનનું સર્કિટ હાઉસ ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતા જ રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે તેઓએ વિધિવત રીતે રાજકોટ મનપાના 11માં વહીવટદાર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે એક્શન મોડમાં આવીને શહેરના વિકાસ કામો અને પ્રાથમિક સુવિધાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. રેમ્યા મોહન સવારે 10 વાગ્યે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં મનપાના અધિકારીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ સીધા જ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. અગાઉ જ્યાં મેયર બેસતા હતા તે ચેમ્બરમાં જ તેમને સ્થાન આપવામાં આવ્યું છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનરો અને સિટી એન્જિનિયરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજકોટમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટીના કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. કાર્યભાર સંભાળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રેમ્યા મોહને જણાવ્યું હતું કે, “આજે મેં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મારી પ્રાથમિકતા રાજકોટના નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની રહેશે. ખાસ કરીને રોડ-રસ્તા, પીવાનું પાણી અને અન્ય પાયાની સુવિધાઓમાં સુધારો લાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. શહેરમાં ચાલી રહેલા વિકાસના કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં અમે કામ કરીશું.”
રેમ્યા મોહન રાજકોટ માટે જાણીતું નામ છે. તેઓ સપ્ટેમ્બર 2019 થી રાજકોટના 49માં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન તેમની સઘન કામગીરી અને કાયદો-વ્યવસ્થા જાળવવાની સૂઝબૂઝને કારણે તેઓ લોકોમાં આદર ધરાવે છે. હાલમાં તેઓ ગાંધીનગરમાં નગરપાલિકાઓના વહીવટી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે અને રાજકોટ મનપાનો આ વધારાનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે. ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં હવે સંપૂર્ણ સત્તા વહીવટદાર હસ્તક હોવાથી, નિર્ણયો લેવાની પ્રક્રિયા ઝડપી બનશે. રેમ્યા મોહનના આગમનથી મનપાના વહીવટી તંત્રમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં રાજકોટના ટ્રાફિક અને રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ કેટલી ઝડપથી આવે છે.
- Advertisement -
મહાનગરપાલિકાના વહીવટદારની યાદી
મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજ અધિકારીઓએ વહીવટદાર તરીકે સેવા આપી છે. 1974-75માં એન. એમ. બ્રિજલાણી, સી.સી. ડોક્ટર, અને કે. ઓ. વરદન જેવા અધિકારીઓએ શાસન સંભાળ્યું હતું. ત્યારબાદ 1980-81 માં આર. રામભદ્રન, 1993-95 દરમિયાન અશોક કોશી અને અશોક નારાયણની નિમણૂંક થઈ હતી. વર્ષ 2000 માં પી.એન. રોય ચૌધરી અને 2005 માં જી. આર. અલોરીયાએ આ પદ શોભાવ્યું હતું. 2020-2021 માં ઉદિત અગ્રવાલ બાદ હવે 2026માં રમ્યા મોહન આ યાદીમાં સામેલ થશે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે અનુભવી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના સમયગાળામાં પણ શહેરની પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહેશે.



