મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો
આધ્યાત્મિકતા અને સંસ્કાર સમાજમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી
- Advertisement -
ગધેથડના લાલબાપુએ હજારો ભક્તોને વ્યસનમુક્તિના શપથ લેવડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.26
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. મુખ્યમંત્રીએ વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના શ્રીમદ્ ભાગવત કથારસનું પાન કર્યું હતું અને ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મંદિર માત્ર ઈંટ-પથ્થરની ઈમારત નથી, પરંતુ તે અખંડ આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. તેમણે ઉમેર્યું કે, ’વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજમાં સંસ્કાર અને સમર્પણ હોવું અનિવાર્ય છે. આધુનિકતાના યુગમાં પણ ભાગવત અને ગીતાના મૂલ્યો જીવનમાં સાચું માર્ગદર્શન પૂરું પાડે છે.
મહોત્સવ દરમિયાન ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂજ્ય લાલબાપુએ ઉપસ્થિત મેદનીને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અભિયાનની સરાહના કરતા જણાવ્યું હતું કે, યુવા પેઢીને વ્યસનમુક્ત બનાવવી એ રાષ્ટ્રના નિર્માણ માટે અત્યંત જરૂરી છે. આ ધાર્મિક મહોત્સવમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો, સંતો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.



