પરિણામની ચિંતા કર્યા વગર પૂરી એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે પેપર લખવા રાજકોટના ધારાસભ્યનો પ્રેરક સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અવસરે રાજકોટ વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા તમામ પરીક્ષાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12 એ કારકિર્દીના મહત્વના માઈલસ્ટોન છે, પરંતુ પરીક્ષા એ જીવનનું અંતિમ લક્ષ્ય નથી, માત્ર સફળતાની સીડીનું એક મજબૂત પગથિયું છે.
ઉદય કાનગડએ વિદ્યાર્થીઓને ખાસ સલાહ આપી છે કે, ગોખણીયા જ્ઞાનને બદલે વિષયના તલસ્પર્શી જ્ઞાન પર ભાર મૂકવો જોઈએ. જો કોઈ એક પેપરમાં ધાર્યા મુજબનો દેખાવ ન કરી શકાય, તો પણ હિંમત હાર્યા વગર બીજા પેપરની તૈયારીમાં પૂરી તાકાત લગાવી દેવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, કોઈપણ એક નબળું પેપર એ આખરી પરિણામ નથી, માટે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના માનસિક તણાવ રાખ્યા વગર સકારાત્મક દૃષ્ટિકોણ સાથે પરીક્ષા આપવી જોઈએ. દરેક વિદ્યાર્થી અનન્ય છે અને તેની સરખામણી અન્ય કોઈની સાથે થઈ શકે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, પરીક્ષાના સમયે વધુ વાંચવા કરતા મનન કરવા પર ભાર મૂકવો જોઈએ. વિદ્યાર્થીઓએ પૂરતી ઊંઘ લેવી, હળવો અને પૌષ્ટિક આહાર લેવો તથા મનને શાંત રાખવા માટે હળવો વ્યાયામ કરવો જોઈએ.
તેમણે વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે, બાળકોનું ભવિષ્ય અને તેમની ખુશી પરિવાર માટે સૌથી મહત્વની છે, તેથી તેમના પર પરિણામનું દબાણ લાવવાને બદલે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.
અંતમાં, ધારાસભ્યએ આશા વ્યક્ત કરી છે કે તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શહેર અને દેશનું નામ રોશન કરે. સફળતા વિદ્યાર્થીઓના કદમ ચૂમે તેવી મંગલ કામના સાથે તેમણે ફરી એકવાર તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ પાઠવ્યા છે.



