રેલવેના પાટા ઉપર સેન્ટ્રલ સ્પાનના 7 સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર આવેલ હયાત 2-લેન સાંઢીયા પુલને ડિસ્મેન્ટલ કરી તેના સ્થાને આધુનિક સુવિધાઓ સાથે 4-લેન ફ્લાયઓવરબ્રિજ નિર્માણ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. રૂ. 74.32 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ગઈકાલે રાત્રે રેલવે પાટા ઉપર સેન્ટ્રલ સ્પાનના 7 સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં રેલ્વે બ્લોક દરમિયાન ક્રોસ ગર્ડર અને પ્રેસીંગ કામગીરી હાથ ધરાશે. રેલ્વે વિભાગ સાથે સંકલન કરી તમામ સલામતી ધોરણોનું પાલન કરવામાં આવ્યું હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.
નવા બ્રિજની કુલ લંબાઈ 602 મીટર અને પહોળાઈ 16.40 મીટર રહેશે. કુલ 21 સ્પાન ધરાવતા આ ફ્લાયઓવરનો સેન્ટ્રલ સ્પાન 36 મીટરનો છે.
સ્ટોર્મ વોટર નિકાલ માટે 2 આર.સી.સી. બોક્સ કલ્વર્ટ તથા આશરે 168 મીટર આર.સી.સી. વોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 7.50 મીટર પહોળાઈના સર્વિસ રોડ અને સુવિધાસભર ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલ સર્વિસ રોડ, સેન્ટ્રલ સ્પાન-2 અને આર.સી.સી. વોલના બાકી કામ પ્રગતિમાં છે. પિયર, ગર્ડર અને સ્લેબનું મુખ્ય કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જામનગર રોડ પર ટ્રાફિક જામની સમસ્યામાં રાહત મળશે અને રેલ્વે ક્રોસિંગ પર થતા વિલંબનો કાયમી ઉકેલ આવશે. શહેરના વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.
બ્રિજની મુખ્ય ટેક્નિકલ વિગતો માળખાકીય વિશેષતાઓ
16.40 મીટર પહોંળાઇનો ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ
- Advertisement -
બ્રિજની કુલ લંબાઇ 602.00 રનિંગમી.
સ્પાનની સંખ્યા – 10 ડ 2 = 20, સેન્ટ્રલ સ્પાન- 1 કુલ મળી 21 સ્પાન
સ્ટોર્મ વોટરનાં નિકાલ માટે 2 – આર.સી.સી. બોક્ષકલવર્ટની વ્યવસ્થા
આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત 168.00 રનિંગ મીટર
બ્રિજના સેન્ટ્રલ પોર્શનમાં 7 નંગ સ્ટીલ ગર્ડર



