રાજકોટ સિટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષમાં ખેલાશે ફૂટબોલનો જંગ
પ્રથમ મેચમાં વાય.સી.સી. ક્લબની પેનલ્ટી શૂટઆઉટમાં જીત અને સિટી પોલીસના ગોલકીપર બન્યા મેન ઑફ ધ મેચ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટના રેસકોર્ષ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 14મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે-નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટ દ્વારા જ્યોતિ સી.એન.સી.ના સહયોગથી આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્તે થયો હતો. આ પ્રસંગે જ્યોતિ સી.એન.સી.ના વિક્રમસિંહ રાણા અને ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ તા. 22 ફેબ્રુઆરીથી 01 માર્ચ 2026 દરમિયાન ચાલશે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 13 જેટલી ટીમો ભાગ લઈ રહી છે.
ટુર્નામેન્ટની રોમાંચક શરૂઆત સીટી પોલીસ રાજકોટ અને વાય.સી.સી. ક્લબ વચ્ચેની મેચથી થઈ હતી. નિર્ધારિત સમયમાં કોઈ ગોલ ન થતા મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વાય.સી.સી. ક્લબની ટીમે 4-1થી વિજય મેળવ્યો હતો. શાનદાર બચાવ કરનાર સીટી પોલીસના ગોલકીપર ઋષિ હરખાણીને ’મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ગુજરાત ફૂટબોલ એસોસિએશનના માન્ય રેફરીઓ સેવા આપી રહ્યા છે અને રમતપ્રેમીઓ માટે બેઠક તેમજ લાઈટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે



