ભારતના સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પીએમ શહબાઝ શરીફને યોગ્ય સારવાર માટે કરી અપીલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્યને લઈને 5 દેશના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. 73 વર્ષના ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે.
આ પત્ર પર ભારતના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ ઉપરાંત ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ એથર્ટન, નાસિર હુસૈન, ઈયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગાવર, કિમ હ્યુજીસ, ક્લાઈવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઈટે હસ્તાક્ષર કર્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 14 દિગ્ગજ કેપ્ટનોએ પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને અપીલ કરી છે કે ઈમરાનને યોગ્ય સારવાર આપે.
અહેવાલ મુજબ, આ પત્ર પર કોઈપણ પૂર્વ પાકિસ્તાની કેપ્ટને હસ્તાક્ષર કર્યા નથી, જોકે ગયા અઠવાડિયે વસીમ અકરમ, વકાર યુનિસ અને શાહિદ આફ્રિદી સહિત ઘણા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર ઈમરાન માટે યોગ્ય સારવારની માગ કરી હતી. ઈમરાન ખાન 1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમના કેપ્ટન હતા.
ક્રિકેટરથી નેતા બનેલા ઇમરાન ખાનની એક આંખની લગભગ 85% દૃષ્ટિ જતી રહી છે. આ ખુલાસો પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના આદેશ પર થયેલી તપાસમાં થયો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ સલમાન સફદરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાન જેલ પ્રશાસન સમક્ષ ઘણા મહિનાઓથી આંખોમાં ધૂંધળાપણાની ફરિયાદ કરી રહ્યા હતા. ઓક્ટોબર 2025 સુધી તેમની દૃષ્ટિ સામાન્ય હતી, પરંતુ પછીથી જમણી આંખની રોશની અચાનક ઓછી થઈ ગઈ.
તપાસ દરમિયાન પિમ્સ હોસ્પિટલના આંખના નિષ્ણાતને બોલાવવામાં આવ્યા હતા. ડોકટરોએ શોધી કાઢ્યું કે ઇમરાનની આંખમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો, જેનાથી ગંભીર નુકસાન થયું હતું. સારવાર અને ઇન્જેક્શન આપ્યાં પછી પણ તેમની જમણી આંખમાં હવે માત્ર લગભગ 15% દૃષ્ટિ બાકી છે. ઇમરાનનું કહેવું છે કે તેમને ખાનગી ડોક્ટર પાસેથી સારવાર કરાવવાની મંજૂરી આપવામાં આવી નથી.
રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાનને ઓક્ટોબર 2023થી અડિયાલા જેલમાં સતત અલગ રાખવામાં આવ્યા છે. પૂર્વ પીએમના વકીલે જણાવ્યું હતું કે તેમનો નિયમિત બ્લડ ટેસ્ટ થયો નથી. બે વર્ષમાં તેમને દાંતના ડોક્ટર પાસે પણ લઈ જવામાં આવ્યા નથી, જ્યારે તેમણે ઘણી વખત તેની માગ કરી હતી. મુલાકાત દરમિયાન તેઓ ખૂબ જ પરેશાન અને માનસિક રીતે દબાણમાં જોવા મળ્યા.
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના પરિવાર અને વકીલોને મળવા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. અદાલતના આદેશ છતાં તેમની બહેનોને નિયમિત રીતે મળવા દેવાયાં નહોતાં, જોકે તાજેતરમાં જેલ પ્રશાસન બદલાયા પછી હવે તેમને તેમની પત્નીને અઠવાડિયામાં એકવાર 30 મિનિટ મળવાની મંજૂરી મળી છે.
તેમના પુત્રો કાસિમ અને સુલેમાન સાથે 2025માં માત્ર બેવાર ફોન પર વાત કરવા દેવામાં આવી. છેલ્લા પાંચ મહિનાથી તેમને તેમના મુખ્ય વકીલ અને કાનૂની ટીમ સાથે પણ મળવા દેવામાં આવ્યા નથી.
રિપોર્ટના અંતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક સારી તબીબી તપાસ તેમજ પરિવાર અને વકીલોને મળવાની સુવિધા પુન:સ્થાપિત કરવામાં નહીં આવે તો તેમના સ્વાસ્થ્યને વધુ ગંભીર ખતરો થઈ શકે છે.
ઇમરાન ખાનની પાર્ટી ઙઝઈંએ ગયા મહિને જણાવ્યું હતું કે ઇમરાન ખાનની જમણી આંખમાં સેન્ટ્રલ રેટિનલ વેઇન ઓક્લુઝન નામની બીમારી જોવા મળી છે. પાર્ટીએ કહ્યું હતું કે મેડિકલ નિષ્ણાતોના મતે યોગ્ય સારવાર ન મળવા પર ઇમરાનની આંખોની રોશની હંમેશાં માટે જઈ શકે છે.
ઈછટઘ આંખનો એક ગંભીર રોગ છે. આમાં આંખની અંદર રહેલા રેટિનામાંથી લોહી બહાર લઈ જતી મુખ્ય નસમાં બ્લોકેજ થઈ જાય છે. રેટિના આંખનો એ ભાગ છે, જે જોવાનું કામ કરે છે.
નસ બંધ થયા પછી લોહી રેટિનામાં જમા થવા લાગે છે. આનાથી સોજો આવે છે અને લોહીનો સ્ત્રાવ પણ થઈ શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો રેટિનાને કાયમી નુકસાન થઈ શકે છે.
નિષ્ણાતોના મતે, ઈછટઘ માં આંખોની રોશની ગુમાવવાનું જોખમ ત્યારે વધુ હોય છે જ્યારે સારવારમાં વિલંબ થાય. ખાસ કરીને જો બ્લોકેજ સંપૂર્ણ હોય, રેટિનામાં વધુ સોજો આવી જાય અથવા વારંવાર લોહીનો સ્ત્રાવ થવા લાગે. ઘણા કિસ્સાઓમાં, જો 24થી 72 કલાકની અંદર સારવાર ન મળે તો નુકસાન કાયમી થઈ શકે છે.



