સાધુ-સંતોનું અપમાન અને પોલીસ સાથે ગેરવર્તન કીર્તિ પટેલને ભારે પડ્યું
કીર્તિ પટેલની સાન ઠેકાણે લાવવા જૂનાગઢ પોલીસ તંત્ર દોડતું થયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
15 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ જ્યારે ભવનાથમાં ભગવાન ભોળાનાથની રવેડી નીકળી હતી અને સાધુ-સંતો શાહી સ્નાન માટે મૃગી કુંડ પહોંચ્યા હતા, ત્યારે કીર્તિ પટેલ પણ ભગવા વેશ ધારણ કરી ત્યાં પહોંચી ગઈ હતી. નિયમો અને પરંપરા મુજબ શાહી સ્નાન માત્ર સાધુ-સંતો માટે હોય છે, પરંતુ કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરી પરંપરાનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ ઘટના બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ કર્યા હતા. જેમાં તેણે સાધુ-સંતો વિશે વાંધાજનક નિવેદનો કર્યા અને ધાર્મિક લાગણી દુભાય તેવા આક્ષેપો કર્યા હતા. આ બાબતે ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ (પ્રભાસ પાટણ, નિરાલી ખોડિયાર આશ્રમના મહંત) એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાધુ-સંતોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા અને સનાતન ધર્મની પરંપરાઓ અને સાધુ સમાજ પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરી મેળાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કીર્તિ પટેલે કર્યો હતો. માત્ર સંતો જ નહીં, કીર્તિ પટેલે ફરજ પરના પોલીસ અધિકારીઓ સાથે પણ અભદ્ર વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. સ્નાન વખતે રોકવા ગયેલા મહિલા પી.આઈ. સાથે તેણે જીભાજોડી કરી દાદાગીરી કરી હતી. આથી, પોલીસ વિભાગ દ્વારા પોતે જ ફરિયાદી બનીને કીર્તિ પટેલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તનનો બીજો ગુનો દાખલ કર્યો છે. ભવનાથના પી.આઈ. કે.જે. મોડએ આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે.
લાઇવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો હતો
- Advertisement -
મંગળવારે રાત્રે કીર્તિ પટેલે એક પોસ્ટ વાઇરલ કરી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે લાઇવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો હતો તેમજ અને સાધુ સંતોના પણ ફોન આવ્યા હતા અને કહ્યુ કે આપણે સનાતન ધર્મને છાંટા ઉડે તેવું કોઇ કાર્ય કરવાનું નથી. તે માટે મે લાઇવ કર્યું નથી, પરંતુ હાલ પોલીસ મારો પીછો કરી રહી છે. સત્યને દબાવવા માટે એક દીકરી પર ખોટું પ્રેસર કરવામાં આવી રહ્યું છે. તેમજ કાયદાનો દૂર ઉપયોગ મારા પર થઇ રહ્યો છે.
કીર્તિ પટેલને પકડી પાડવા પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરી
જૂનાગઢ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ કીર્તિ પટેલને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા વિવાદાસ્પદ વીડિયોને પુરાવા તરીકે એકત્ર કરવામાં આવ્યા છે. શિવરાત્રી જેવા પવિત્ર પર્વે પોતાની પ્રસિદ્ધિ માટે ધાર્મિક મર્યાદાઓ ઓળંગવી કીર્તિ પટેલને ભારે પડી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ તેને ક્યારે ઝડપી પાડે છે અને આ મામલે કાયદો કેવો પાઠ ભણાવે છે.



