મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું 3604.90 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજૂર
વિકાસની સાથે વહેતી થઈ શાયરીની સરવાણી: જયમીન ઠાકરે 6 વખત શાયરી લલકારી
- Advertisement -
વશરામ સાગઠીયાએ કહ્યું કે, મેયરના પતિ કહે છે કે, પહેલા પૈસા નહોતા એટલે બાંધકામ નહોતું કર્યું, હવે પૈસા આવ્યા એટલે કરીએ છીએ. મારો સવાલ છે કે, શું મેયર બન્યા પછી જ આટલા પૈસા આવ્યા?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર આજે રમેશભાઈ છાયા સભાગૃહમાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા રૂ. 95 કરોડના કરવેરા વધારાને ફગાવી દઈને પ્રજા પર એક પણ રૂપિયાનો બોજ નાખ્યા વગર વિકાસલક્ષી બજેટ મંજૂર કરાયું છે. આ બોર્ડ અંતિમ માનવામાં આવી રહ્યું છે આવતા મહિને ચાલુ કોર્પોરેટરની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારબાદ વહીવટદાર શાસન લાગી જશે. આજની અંતિમ સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કે, વિકાસના નામે ભ્રષ્ટાચાર જ કર્યો છે સાથે જ મેયર નયનાબેન પેઢડિયાના પતિના સૂચિત જગ્યાના બાંધકામનો મુદ્દો ગાજ્યો હતો. વશરામભાઈ સાગઠીયાએ વિરોધ કરતા કહ્યું હતું કે, નિયમ મુજબ સૂચિતમાં બાંધકામ કરતા પહેલા મંજૂરી લેવી પડે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બે માળનું કોમ્પ્લેક્સ ઊભું કરી દેવાયું છે. મેયરના પતિ કહે છે કે, પહેલા પૈસા નહોતા એટલે બાંધકામ નહોતું કર્યું, હવે પૈસા આવ્યા એટલે કરીએ છીએ. મારો સીધો સવાલ છે કે, શું મેયર બન્યા પછી જ આટલા પૈસા આવ્યા? સાગઠીયાએ વધુમાં આક્ષેપ કર્યો કે મેયરનું નામ હોવાથી તંત્રના અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરતા ડરી રહ્યા છે. તેમણે આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરેએ તેને પોતાના ખાસ ’શાયરાના અંદાજ’ થી જીવંત બનાવી દીધું હતું. પોતાના સમગ્ર બજેટ ભાષણ દરમિયાન તેમણે 6 વખત અલગ-અલગ શાયરીઓ ટાંકીને વિકાસની વાતોને સાહિત્ય સાથે વણી લીધી હતી. ચેરમેને ગૌરવભેર જણાવ્યું હતું કે, રાજકોટ મનપામાં છેલ્લા 52 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જે લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ તબક્કે તેમણે વિપક્ષ પ્રત્યે ઉદારતા દાખવતા ઉમેર્યું હતું કે, “ભાજપ તંદુરસ્ત લોકશાહીમાં માને છે, તેથી જ અમે વિપક્ષના સૂચનો અને રજૂઆતોને પણ પૂરતું સાંભળીએ છીએ.” વિકાસના કામોની સાથે રાજકીય ગરિમા અને સાહિત્યના સમન્વયને કારણે આ બજેટ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી.
- Advertisement -
જયમીન ઠાકરે કહ્યું, “વશરામભાઈ વાહ…વાહ… તો બોલો!”
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે આક્ષેપોની તલવારો વચ્ચે શાયરીની મહેફિલ પણ જામી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જ્યારે બજેટ વાંચતા વાંચતા શાયરાના અંદાજમાં આવ્યા, ત્યારે આખું સભાગૃહ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. જયમીન ઠાકરેએ હિન્દીમાં શાયરી લલકારી કે, “દૂસરોં કો સુનાને કે લીયે અપની આવાઝ ઉંચી મત કરો, બલ્કી અપના વ્યક્તિત્વ ઐસા બનાઓ… કી સુનને કે લીયે લોગ ઇન્તઝાર કરેં!” આ શાયરી પૂરી થતા જ ચેરમેને રમૂજમાં વિપક્ષી નેતાને ટાંકતા કહ્યું, “વશરામભાઈ વાહ…વાહ… તો બોલો!” ચેરમેનની આ ટીખળ સાંભળીને ગંભીર માહોલ એકાએક હળવો થઈ ગયો હતો અને વિપક્ષી સભ્યોના ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું.
હવે હું કોઈને બોલવા દઈશ નહી: વશરામ સાગઠીયા
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાનો બોલવામાં વારો ન આવતા કહ્યું કે, “હવે હું કોઈને બોલવા દઈશ નહીં!” આ વાક્ય સાંભળતા જ ભાજપના કોર્પોરેટરો લાલચોળ થઈ ગયા હતા. “લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે” તેવા આક્ષેપો સાથે વશરામ સાગઠીયાએ સભાગૃહ ગજવી મૂક્યું હતું.
હવે તમે ફરી વખત ચૂંટાવાના નથી: વિપક્ષી નેતા વશરામ સાગઠીયા
રાજકોટ મનપાની અંતિમ સામાન્ય સભામાં આક્ષેપોની ઝાટકણી વચ્ચે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ ભાજપના કોર્પોરેટરોને આડેહાથ લેતા કહ્યું કે, “આ તમારી છેલ્લી ટર્મ છે” મેયરના પતિના વિવાદિત બાંધકામ અને શહેરના પ્રશ્નો મુદ્દે શાસકોને ઘેરતા સાગઠીયાએ કહ્યું કે, “તમે ગમે તેટલી શાયરીઓ બોલો કે આંકડા બતાવો, પણ જનતા હવે તમને ઓળખી ગઈ છે. યાદ રાખજો, હવે તમે ફરી વખત આ ગૃહમાં ચૂંટાઈને આવવાના નથી!” આવતા મહિનાથી વહીવટદાર શાસન લાગુ થવાનું છે ત્યારે સાગઠીયાના આ શબ્દોએ ભાજપના સભ્યોમાં સન્નાટો અને રોષ બંને ફેલાવ્યા હતા.
52 વર્ષના શાસનના ગૌરવ સામે વિપક્ષે એવો દાવો કર્યો કે ભાજપના શાસનનો અંત હવે નિશ્ચિત છે.



