મહાશિવરાત્રિએ શિવજીની નીકળી શોભાયાત્રા: 17 ફૂટ ઊંચો સોમનાથ મહાદેવનો 3ઉ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો
25,000થી વધુ ભાંગની બોટલોનું પ્રસાદ રૂપે વિતરણ: ભક્તો માટે ફરાળની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાશિવરાત્રિના પવિત્ર અવસરે રંગીલું રાજકોટ શિવભક્તિના રંગે રંગાયું હતું. દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 13માં વર્ષે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના આરાધ્ય દેવ એવા રામનાથ મહાદેવ મંદિર ખાતેથી આ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર 17 ફૂટ ઊંચો સોમનાથ મહાદેવનો 3ઉ ફ્લોટ રહ્યો હતો. આ ઉપરાંત 11 જ્યોર્તિલિંગોના સુંદર ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. ઉજ્જૈનથી ખાસ પધારેલા અઘોરી ગ્રુપ દ્વારા પ્રસ્તુત શિવ તાંડવ નૃત્ય જોઈને ઉપસ્થિત જનમેદની ભાવવિભોર થઈ ગઈ હતી. ડમરુના નાદ અને હર હર મહાદેવના ગુંજારવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી. રામનાથપરા ચોક, રામનાથ સ્મશાન રામનાથ પુલ, પાંજરાપોળ ચોક, ભાવનગર રોડ, ડીલક્ષ ચોક, રણછોડદાસ બાપુ આશ્રમ, સંતકબીર રોડ, પેડક રોડ, સેટેલાઈટ ચોક, 80 ફૂટ રોડ થઈ કાર્તિક પાર્ટી પ્લોટ પાસે પૂર્ણાહુતિ થઈ હતી.
યાત્રા દરમિયાન ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં 25,000 થી વધુ ભાંગની બોટલોનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
નસીબદાર ભક્તોને ચાંદી મઢેલો રુદ્રાક્ષનો પારો અને ચાંદીનું બિલીપત્ર ભેટ સ્વરૂપે અપાયા હતા. સમગ્ર રૂટ દરમિયાન વિવિધ સ્થળોએ ઠંડા પીણાં અને સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. યાત્રાના અંતે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ ભક્તો માટે ફરાળની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાઈને ધન્યતા અનુભવી હતી.



