3.94 લાખના સોનાના દાગીનાંનો મુદ્દામાલ જપ્ત: પાડોશી યુવક જ નીકળ્યો તસ્કર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
- Advertisement -
હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં હળવદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ તસ્કરને ઝડપી પાડી, ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ સહિત કુલ ₹3,94,057નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.
ટીકર ગામે રહેતા સુરેશભાઇ કાનજીભાઇ મકવાણાના મકાનમાં તા. 06-07 ફેબ્રુઆરી 2026 દરમિયાન ચોરીની ઘટના બની હતી. અજાણ્યા શખસે ઘરના તાળા તોડી અંદરથી આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદીએ હળવદ પોલીસ મથકે બી.એન.એસ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ અને ડી.વી. કાનાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીકર ગામના જ રહેવાસી વિશાલ રમેશભાઇ ખાંભડીયા (ઉ.વ. 21) ને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા સોનાના હાર, કાનની બુટ્ટીઓ અને અન્ય સોનાના દાગીનાઓ (આશરે સાડા પાંચ તોલા) કિંમત ₹3,94,057નો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરી બદલ પોલીસ ટીમની ચોમેર પ્રશંસા થઈ રહી છે. હાલ પોલીસ આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ.



