જાહેર સલામતી માટે કડક કાર્યવાહી: 80 મિલકતોના જોખમી ભાગો ઉતારી લેવાયા: હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓની જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત અને જોખમી બાંધકામો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાં જોખમ યથાવત રાખનારા મિલકત માલિકો સામે મનપાની બિલ્ડિંગ શાખાએ કાયદેસરના પગલાં ભરીને કનેક્શનો કાપવાની કામગીરી તેજ કરી છે.
મનપા દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (ૠઙખઈ)ની વિવિધ કલમો હેઠળ ત્રણ તબક્કામાં નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસની અવગણના કરનારા અંદાજિત 90 જર્જરિત મકાનોના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. વધુમાં, કડક કાર્યવાહીના ભાગરૂપે આશરે 30 જેટલી મિલકતોના વીજ કનેક્શન પણ કાપીને જોખમી બાંધકામનો ઉપયોગ અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
મનપાની આ કડક કાર્યવાહી બાદ અત્યાર સુધીમાં અંદાજિત 80 મિલકતોના માલિકો દ્વારા જોખમી ભાગો સ્વેચ્છાએ અથવા તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આ પગલાંથી જાહેર માર્ગ પરથી પસાર થતા નાગરિકો અને આસપાસના રહેવાસીઓ પર તોળાતું જોખમ ઘટ્યું છે. બિલ્ડિંગ શાખાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી રહેલી જર્જરિત મિલકતો સામે પણ આગામી સમયમાં નિયમસરની કાર્યવાહી ચાલુ જ રહેશે.
મોરબી મનપાની બિલ્ડિંગ શાખાએ જાહેર હિતમાં અપીલ કરી છે કે મિલકત માલિકો નોટિસનું ત્વરિત પાલન કરે અને તંત્રને સહકાર આપે. નાગરિકોને જોખમી ઇમારતનો ઉપયોગ બંધ કરવા અથવા પોતાની માલિકીની ઇમારતને રહેવા યોગ્ય બનાવવા તાકીદ કરવામાં આવી છે. જો બિલ્ડિંગ રહેવા લાયક ન હોય તો જરૂરી મંજૂરી લઈને તેને તોડી પાડવા માટે પણ નગરજનોને અનુરોધ કરાયો છે.



